14 March, 2023 04:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
થોડા મહિનાથી વારંવાર ટેસ્ટ-મૅચ અઢીથી ત્રણ દિવસમાં પૂરી થઈ રહી છે એવા માહોલમાં ન્યુ ઝીલૅન્ડના ક્રિકેટર્સ ટેસ્ટ-મૅચને ટી૨૦ જેવી અત્યંત રોમાંચક બનાવી રહ્યા છે. તેમણે ૧૪ દિવસમાં બે ટેસ્ટ-મૅચને એક્સાઇટિંગ એન્ડ અપાવ્યો છે.
૨૮ ફેબ્રુઆરીએ વેલિંગ્ટનમાં કિવીઓએ ઇંગ્લૅન્ડ સામેની નિર્ણાયક ટેસ્ટ ફક્ત એક રનથી જીતી લીધી હતી. તેમણે બ્રિટિશરોને ૨૫૮ રનનો લક્ષ્યાંક આપ્યા પછી ૨૫૬ રનના સ્કોર પર તેમને ઑલઆઉટ કરી દીધા હતા. ગઈ કાલે ટિમ સાઉધીની કૅપ્ટન્સીમાં ન્યુ ઝીલૅન્ડે શ્રીલંકા સામે ૨૮૫ રનનો ટાર્ગેટ મૅચના છેલ્લા બૉલે ૨૮૫/૮ના સ્કોર સાથે મેળવી લીધો, જેનો સીધો ફાયદો ભારતને થયો, કારણ કે કિવીઓ જીત્યા અને સિરીઝમાં ૧-૦થી આગળ થયા એટલે શ્રીલંકા ટેસ્ટના વર્લ્ડ કપની ઑસ્ટ્રેલિયા સામેની ફાઇનલની રેસમાંથી બહાર ફેંકાઈ ગયું.
ન્યુ ઝીલૅન્ડને ગઈ કાલે આખરી દિવસે જીતવા માટે ૨૫૭ રનની જરૂર હતી. કેન વિલિયમસન (૧૨૧ અણનમ, ૧૯૪ બૉલ, ૨૯૯ મિનિટ, એક સિક્સર, અગિયાર ફોર) અને ડેરિલ મિચલ (૮૧ રન, ૮૬ બૉલ, ૧૧૭ મિનિટ, ચાર સિક્સર, ત્રણ ફોર) આ જીતના બે હીરો હતા. મિચલ મૅન ઑફ મૅચ બન્યો હતો.
છેલ્લી ઓવરમાં શું બન્યું?
૨૭૭/૭ના સ્કોર સાથે ઓવર શરૂ થઈ અને ન્યુ ઝીલૅન્ડે જીતવા માટે ૮ રન બનાવવાના હતા. ટાર્ગેટ હતો ૨૮૫ રન. બોલર અસિથા ફર્નાન્ડોના પહેલા બૉલમાં વિલિયમસન નૉન-સ્ટ્રાઇક એન્ડ પર લપસી પડતાં એક જ રન ગણાયો. બીજા બૉલમાં મૅટ હેન્રી એક રન દોડ્યો, પણ ત્રીજા બૉલમાં હેન્રી રનઆઉટ થયો એ પહેલાં એક રન દોડીને લેવાઈ ચૂક્યો હોવાથી સ્કોર ૨૮૦/૮નો થયો. બર્થ-ડે બૉય નીલ વૅગ્નર મેદાન પર આવ્યો. ચોથા બૉલમાં વિલિયમસને ફોર ફટકારતાં સ્કોર ૨૮૪/૮ થયો. પાંચમો બૉલ બાઉન્સર હતો જે ડૉટ-બૉલ રહેતાં સ્કોર ૨૮૪/૮ થયો હતો. જોકે છેલ્લા બૉલમાં વિલિયમસન સામા છેડા પરની ક્રીઝમાં મહામહેનતે પહોંચી જતાં બાયનો એક રન મળી જતાં ન્યુ ઝીલૅન્ડે ૨૮૫ રનનો લક્ષ્યાંક પૂરો કર્યો હતો અને શ્રીલંકા હારી ગયું હતું.