26 December, 2022 12:54 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે કરાચીમાં ટ્રોફી સાથે બાબર આઝમ અને ટિમ સાઉધી. તસવીર એ.એફ.પી.
પાકિસ્તાન ૨૦૧૧થી માંડીને અત્યાર સુધી ન્યુ ઝીલૅન્ડ સામે ૧૨માંથી માત્ર ૩ ટેસ્ટ જીત્યું છે અને ૭ હારી ગયું છે, પરંતુ આજે કરાચીમાં (સવારે ૧૦.૩૦ વાગ્યાથી) શરૂ થઈ રહેલી કિવીઓ સામેની સિરીઝની પ્રથમ ટેસ્ટ કે જે બૉક્સિંગ-ડે ટેસ્ટ તરીકે ઓળખાશે એમાં પાકિસ્તાનની ટીમની અલગ રીતે કસોટી થશે. કૅપ્ટન બાબર આઝમ તાજેતરની કેટલીક નિષ્ફળતાઓને લીધે ચર્ચામાં છે જ, એ ઉપરાંત નવા ચીફ સિલેક્ટર શાહિદ આફ્રિદીની પણ અગ્નિપરીક્ષા થવાની છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષસ્થાને પણ બદલાવ થયો છે. ઇંગ્લૅન્ડ સામે પાકિસ્તાનની ૦-૩ની તાજેતરની હારને પગલે રમીઝ રાજાને હટાવીને નજમ સેઠીને ફરી ચૅરમૅન બનાવાયા છે. પાકિસ્તાનની જેમ ન્યુ ઝીલૅન્ડનો પણ તાજેતરમાં ઇંગ્લૅન્ડે ૩-૦થી વાઇટવૉશ કર્યો હતો.
માત્ર બે મૅચની આ સિરીઝના પ્રથમ મુકાબલાથી ન્યુ ઝીલૅન્ડની ટીમની પણ કસોટી છે, કારણ કે પીઢ ફાસ્ટ બોલર ટિમ સાઉધીને તાજેતરમાં કેન વિલિયમસનના સ્થાને ટેસ્ટ-સુકાની બનાવાયો છે.
4
બન્ને ટીમ પોતપોતાની છેલ્લી સતત આટલી ટેસ્ટ હાર્યા પછી આજે નવી સિરીઝ શરૂ કરી રહી છે.