27 November, 2024 09:52 AM IST | Wellington | Gujarati Mid-day Correspondent
ન્યુ ઝીલૅન્ડના માર્ટિન ક્રો (ડાબે) અને ઇંગ્લૅન્ડના ગ્રેહામ થૉર્પ.
ન્યુ ઝીલૅન્ડની ટીમ ઘરઆંગણે ૨૮ નવેમ્બરથી ઇંગ્લૅન્ડ સામે ત્રણ મૅચની ટેસ્ટ-સિરીઝ રમશે. બન્ને ટીમ વચ્ચે રમાતી આ ટેસ્ટ-સિરીઝને હવે નામ આપવામાં આવ્યું છે. બન્ને દેશ હવેથી ક્રો-થૉર્પ ટ્રોફી ટેસ્ટ-સિરીઝ રમશે. ન્યુ ઝીલૅન્ડના માર્ટિન ક્રો અને ઇંગ્લૅન્ડના ગ્રેહામ થૉર્પના સન્માનમાં આ ટેસ્ટ-સિરીઝ શરૂ થશે. બન્ને દિવંગત ક્રિકેટર્સ મિડલ ઑર્ડર બૅટર હતા.
ટેસ્ટ-ક્રિકેટમાં હવે લાકડાની આ ટ્રોફી જીતવા માટે ઇંગ્લૅન્ડ-ન્યુ ઝીલૅન્ડ વચ્ચે થશે રસાકસી.
ક્રો-થૉર્પ ટ્રોફી લાકડાની બનેલી છે અને એમાં બન્ને પ્લેયર્સ દ્વારા ઉપયોગમાં લેવાયેલા બૅટના હિસ્સાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પહેલી ટેસ્ટની શરૂઆતમાં બન્ને ક્રિકેટર્સના પરિવારની હાજરીમાં આ ટ્રોફીનું અનાવણ કરવામાં આવશે. ૧૯૮૨થી ૧૯૯૫ સુધીમાં ન્યુ ઝીલૅન્ડના માર્ટિન ક્રોએ ૭૭ ટેસ્ટમાં ૫૪૪૪ રન અને ૧૪૩ વન-ડે મૅચમાં ૪૭૦૪ રન કર્યા હતા. ૧૯૯૩થી ૨૦૦૫ સુધી ઇંગ્લૅન્ડના ગ્રેહામ થૉર્પે ૧૦૦ ટેસ્ટમાં ૬૭૪૪ રન અને ૮૨ વન-ડે મૅચમાં ૨૩૮૦ રન ફટકારીને ધમાલ મચાવી હતી.