17 December, 2024 03:21 PM IST | Wellington | Gujarati Mid-day Correspondent
કેન વિલિયમસન
હૅમિલ્ટનમાં યજમાન ન્યુ ઝીલૅન્ડની ટીમે ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડને જોરદાર પડકાર આપ્યો છે. પહેલી ઇનિંગ્સમાં ૩૪૭ રન બનાવનાર ન્યુ ઝીલૅન્ડે બીજી ઇનિંગ્સમનાં ૪૫૩ રન ફટકારી દીધા હતા. ઇંગ્લૅન્ડની ટીમ દિવસના અંતે ૬ ઓવરમાં બે વિકેટ ગુમાવી ૧૮ રન બનાવી શકી છે. પહેલી ઇનિંગ્સમાં ૧૪૩ રન બનાવનાર ઇંગ્લૅન્ડની ટીમને ૬૫૮ રનનો વિશાળ ટાર્ગેટ મળ્યો છે. આ ટેસ્ટમાં જીત માટે બાકીના બે દિવસમાં ઇંગ્લૅન્ડને ૬૪૦ રન અને ન્યુ ઝીલૅન્ડને ૮ વિકેટની જરૂર છે.
વરસાદના કારણે ત્રીજા દિવસે પ્રથમ સેશનમાં રમત રમાઈ નહોતી. અનુભવી કિવી બૅટર કેન વિલિયમસને (૧૫૬ રન) ચોથી વિકેટ માટે રાચિન રવીન્દ્ર (૪૪ રન) સાથે ૧૦૭ રન અને પાંચમી વિકેટ માટે ડૅરિલ મિચલ (૬૦ રન) સાથે ૯૨ રનની પાર્ટનરશિપ કરી હતી. ઇંગ્લૅન્ડને વધુ એક ફટકો ત્યારે પડ્યો જ્યારે કૅપ્ટન બેન સ્ટોક્સ હૅમસ્ટ્રિંગની ઈજાને કારણે મેદાનની બહાર ગયો. અંતિમ ટેસ્ટ રમી રહેલો ન્યુ ઝીલૅન્ડનો ફાસ્ટ બોલર ટિમ સાઉધી બીજી ઇનિંગ્સમાં બે રન બનાવી આઉટ થયો હતો. વધુ બે સિક્સર ફટકારીને તે ૧૦૦ ટેસ્ટ-સિક્સર પૂરા ન કરી શક્યો એ બદલ તેણે એક ઇન્ટરવ્યુમાં ફૅન્સની માફી માગી હતી.
એક મેદાન પર સતત પાંચ ટેસ્ટ-સેન્ચુરી ફટકારનાર જગતનો પહેલો બૅટર બન્યો વિલિયમસન
૩૪ વર્ષનો કેન વિલિયમસન ૨૦૪ બૉલમાં ૧૫૬ રન ફટકારીને ન્યુ ઝીલૅન્ડમાં ઘરઆંગણે ૫૦૦૦ ટેસ્ટ-રન ફટકારનાર પહેલો બૅટર બન્યો છે. તેણે પોતાની ધરતી પર બાવન ટેસ્ટમાં ૨૧ ફિફ્ટી અને ૨૦ સેન્ચુરીની મદદથી ૫૧૪૨ રન બનાવ્યા છે. ૧૦૫ ટેસ્ટમાં ૩૩મી સેન્ચુરી નોંધાવી તેણે ઍક્ટિવ પ્લેયર્સમાં ઑસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથની બરાબરી કરી છે. ઇંગ્લૅન્ડનો જો રૂટ ૩૬ ટેસ્ટ-સેન્ચુરી સાથે તેમના કરતાં આગળ છે.
ટેસ્ટ-ક્રિકેટના ૧૪૭ વર્ષના ઇતિહાસમાં કેન વિલિયમસન એવો પહેલો પ્લેયર બન્યો છે જેણે એક મેદાન પર સળંગ પાંચ ટેસ્ટ-સેન્ચુરી નોંધાવી હોય. ડૉન બ્રૅડમૅન અને સુનીલ ગાવસકર સહિત ૯ પ્લેયર એક મેદાન પર સળંગ ચાર ટેસ્ટ-સેન્ચુરી ફટકારી શક્યા છે. હૅમિલ્ટનના સેડન પાર્કમાં વિલિયમસનની છેલ્લી પાંચ ટેસ્ટની વાત કરીએ તો તેણે ૨૦૧૯માં બંગલાદેશ સામે ૨૦૦ રન, ૨૦૧૯માં જ ઇંગ્લૅન્ડ સામે ૧૦૪ રન, ૨૦૨૦માં વેસ્ટ ઇન્ડીઝ સામે ૨૫૧ રન, ૨૦૨૪માં સાઉથ આફ્રિકા સામે ૧૩૩ રનની અણનમ ઇનિંગ્સ અને ગઈ કાલે ઇંગ્લૅન્ડ સામે ૧૫૬ રનની મોટી ઇનિંગ્સ રમી હતી.
કેન વિલિયમસનનું જબરદસ્ત પ્રદર્શન
રન ૧૫૬
બૉલ ૨૦૪
ચોગ્ગા ૨૦
છગ્ગા ૦૧
સ્ટ્રાઇક-રેટ ૭૬.૪૭