24 February, 2023 12:17 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
જેમ્સ ઍન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રૉડ
ન્યુ ઝીલૅન્ડના વેલિંગ્ટન શહેરના બેસિન રિઝર્વમાં આજે ઇંગ્લૅન્ડ સામે સિરીઝની બીજી અને છેલ્લી ટેસ્ટ (ભારતીય સમય મુજબ પરોઢિયે ૩.૩૦ વાગ્યાથી) માટે કિવીઓએ પ્રૅક્ટિસ-સેશનમાં તનતોડ મહેનત કરી છે. એનાં કેટલાંક ખાસ કારણો છે.
જોકે એ કારણો પહેલાં જાણી લઈએ કે વેલિંગ્ટનમાં આજે અને આવતી કાલે વરસાદ પડવાની આગાહી છે અને તાપમાન ૨૧ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. અહીંની પિચ બૅટિંગ માટે વધુ અનુકૂળ છે, પરંતુ પેસ બોલર્સને ઘણો ફાયદો થઈ શકે એમ છે. ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી મોટું ટોટલ નોંધાવવાની તક કદાચ બેમાંથી એકેય ટીમ નહીં છોડે.
ઍન્ડરસન-બ્રૉડની જોડી બેસ્ટ
એક, ઇંગ્લૅન્ડની ટીમ પ્રથમ ટેસ્ટમાં ૨૬૭ રનના તોતિંગ માર્જિનથી જીતી ગઈ એટલે તેઓ બીજી ટેસ્ટમાં ખૂબ જોશપૂર્વક રમશે. બીજું, વેલિંગ્ટનમાં યજમાન ન્યુ ઝીલૅન્ડની ટીમ ૧૯૭૮ની સાલ પછી (૪૫ વર્ષથી) ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટ જીતી નથી. સાતમાંથી પાંચ ટેસ્ટ ડ્રૉ ગઈ છે અને બાકીની બે ટેસ્ટ ઇંગ્લૅન્ડ જીત્યું છે. ત્રીજું ખાસ કારણ એ છે કે ટેસ્ટ-વિશ્વની સૌથી સફળ જોડી (જેમ્સ ઍન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રૉડ)ની સફળતાની શરૂઆત આ જ સ્થળેથી થઈ હતી. માર્ચ ૨૦૦૮માં રમાયેલી એ ટેસ્ટમાં ઍન્ડરસને પાંચ તથા બે વિકેટ અને બ્રૉડે એક તથા બે વિકેટ લીધી હતી અને ઇંગ્લૅન્ડે એ ટેસ્ટ ૧૨૬ રનથી જીતી લીધી હતી. કિવીઓની તડામાર તૈયારી પાછળનું ચોથું કારણ એ છે કે આ શ્રેણી પછી તેમણે ઘરઆંગણે જ શ્રીલંકનો સામે રમવાનું છે એટલે બ્રિટિશરો સામે વાઇટવૉશની નિરાશા ન જોવી પડે એનું તેઓ ખાસ ધ્યાન રાખશે.
આ પણ વાંચો: ઍન્ડરસન નંબર-વન પર પહોંચેલો ઓલ્ડેસ્ટ બોલર
હૅરી બ્રુકથી ખાસ ચેતવું પડશે
ન્યુ ઝીલૅન્ડના બોલર્સે ઇંગ્લૅન્ડના મિડલ-ઑર્ડરના બૅટર હૅરી બ્રુકથી ખાસ સતર્ક રહેવું પડશે. તે ઉપરાઉપરી ત્રણ મૅન ઑફ ધ મૅચ અવૉર્ડ જીતીને વેલિંગ્ટન આવ્યો છે. છેલ્લી ત્રણ ટેસ્ટમાં તેના સ્કોર આ મુજબ હતા : ૯ અને ૧૦૮, ૧૧૧, ૮૯ અને ૫૪.
1009
જેમ્સ ઍન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રૉડે જોડીમાં કુલ આટલી વિકેટ લીધી છે. તેમણે ટેસ્ટ-બોલિંગની સૌથી સફળ જોડીનો ગ્લેન મૅકગ્રા-શેન વૉર્નનો રેકૉર્ડ તોડ્યો છે.
302
વેલિંગ્ટનમાં ન્યુ ઝીલૅન્ડના બ્રેન્ડન મૅક્લમે ભારત સામેની ૨૦૧૪ની ટેસ્ટમાં આટલા રન ફટકારીને કિવી રેકૉર્ડ રચ્યો હતો. મૅક્લમ અત્યારે આ સ્થળે ઇંગ્લૅન્ડનો કોચ છે.