26 February, 2023 10:42 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ઑલી પોપ સાથે ન્યુ ઝીલૅન્ડની વિકેટની ઉજવણી કરતો જૅક લીચ (તસવીર : એ.એફ.પી.)
વેલિંગ્ટનમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટના બીજા દિવસે ઇંગ્લૅન્ડ સામે ન્યુ ઝીલૅન્ડે ૧૩૮ રનમાં ૭ વિકેટ ગુમાવી દેતાં એના પર ફૉલોઑનનો ખતરો મંડરાઈ રહ્યો છે. ઇંગ્લૅન્ડની ટીમે પહેલી ઇનિંગ્સમાં જો રૂટ અને હેરી બ્રુકની આક્રમક સેન્ચુરીને કારણે ૮ વિકેટે ૪૩૫ રન બનાવ્યા હતા. એના જવાબમાં ન્યુ ઝીલૅન્ડની ટીમ ખાસ કોઈ કમાલ કરી શકી નહોતી. જેમ્સ ઍન્ડરસન અને જૅક લીચ સામે કિવી બૅટર્સ બૅટિંગમાં ફ્લૉપ સાબિત થયા હતા. હાલમાં ઇંગ્લૅન્ડની ટીમ મજબૂત સ્થિતિમાં છે. ન્યુ ઝીલૅન્ડની ટીમ ૨૯૭ રનથી પાછળ ચાલી રહી છે. ઇંગ્લૅન્ડ તરફથી જો રૂટે નૉટઆઉટ ૧૫૩ રન અને હેરી બ્રુકે ૧૮૬ રન ફટકાર્યા હતા. આ બન્નેને બાદ કરતાં અન્ય કોઈ અંગ્રેજ બૅટર સારું પ્રદર્શન કરી શક્યા નહોતા. ન્યુ ઝીલૅન્ડ તરફથી સૌથી વધુ ૪ વિકેટ મૅટ હેન્રીએ લીધી હતી. હાલમાં મૅચની સ્થિતિ જોતાં એવું લાગે છે કે ઇંગ્લૅન્ડ ૨-૦થી ક્લીન સ્વિપ કરશે.
૪૩૬ રનના લક્ષ્યાંકનો સામનો કરવા ઊતરેલી ન્યુ ઝીલૅન્ડનો ઓપનર ડેવોન કૉન્વે ઍન્ડરસનની પહેલી જ ઓવરમાં ખાતું ખોલાવ્યા વગર આઉટ થયો. ત્યાર બાદ તેણે કેન વિલિયમસન (૪ રન)ને આઉટ કર્યો. વિલ યંગ પણ માત્ર બે જ રન બનાવી શક્યો. ટૉમ લૅથમ અને હેન્રી નિકોલસ વચ્ચે ૩૯ રનની પાર્ટનરશિપ થઈ હતી. તેઓ પણ વધુ સફળ થઈ શક્યા નહોતા. ઍન્ડરસન અને લીચે ૩-૩ વિકેટ અને સ્ટુઅર્ટ બ્રૉડે એક વિકેટ લીધી હતી.