12 November, 2024 09:59 AM IST | Colombo | Gujarati Mid-day Correspondent
મિચલ હેએ
શ્રીલંકા અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે રમાયેલી બૅક-ટુ-બૅક બે મૅચવાળી T20 સિરીઝ ૧-૧ ટાઇ થઈ છે. પહેલી મૅચમાં શ્રીલંકાએ ચાર વિકેટે અને બીજી મૅચમાં ન્યુ ઝીલૅન્ડે પાંચ રને જીત મેળવી હતી. સ્પિનર વાનિન્દુ હસરંગા પચીસ રન ફટકારી અને ૬ વિકેટ લઈને આ સિરીઝમાં પ્લેયર ઑફ ધ સિરીઝ બન્યો, પરતું હૅમસ્ટ્રિંગ ઇન્જરીને કારણે તેણે કિવીઓ સામે ૧૩ નવેમ્બરથી આયોજિત ત્રણ મૅચની વન-ડે સિરીઝ ગુમાવી છે.
બીજી T20 મૅચમાં ન્યુ ઝીલૅન્ડના ૨૪ વર્ષના મિચલ હેએ પોતાની બીજી જ ઇન્ટરનૅશનલ મૅચમાં કમાલ કરી હતી. આ ક્રિકેટર T20 ઇન્ટરનૅશનલની એક મૅચમાં સૌથી વધારે છ બૅટરને આઉટ કરનાર વિકેટકીપર બન્યો છે. તેણે પાંચ કૅચ અને એક સ્ટમ્પિંગની મદદથી દિગ્ગજ વિકેટકીપર્સના રેકૉર્ડ તોડ્યા છે. આ પહેલાં સંયુક્ત રીતે એક મૅચમાં પાંચ વિકેટનો રેકૉર્ડ અફઘાનિસ્તાનના મોહમ્મદ શહઝાદ, ભારતના મહેન્દ્ર સિંહ ધોની, કેન્યાના ઇરફાન કરીમ અને પાપુઆ ન્યુ ગિનીના કિપ્લિન ડોરીગાને નામે હતો.
T20 ફૉર્મેટનો સર્વકાલીન રેકૉર્ડ શ્રીલંકાના ઉપુલ ફર્નાન્ડોના નામે છે જેણે ૨૦૦૫માં શ્રીલંકાની સ્થાનિક લીગમાં વિકેટ પાછળ ૭ બૅટરને આઉટ કર્યા હતા.