19 February, 2023 05:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્ટુઅર્ટ બ્રૉડ સામે ન્યુ ઝીલૅન્ડ ઘૂંટણિયે
માઉન્ટ માઉંગાનુઈના સ્ટેડિયમમાં રમાતી પહેલી ડે-નાઇટ ટેસ્ટમાં સ્ટુઅર્ટ બ્રૉડની વેધક બોલિંગ અને ઝડપી રમત રમવાની ઇંગ્લૅન્ડના કોચ બ્રૅન્ડન મૅક્લમની ટેક્નિક સામે ન્યુ ઝીલૅન્ડ ઘૂંટણીયે પડ્યું છે. ઇંગ્લૅન્ડ આ ટેસ્ટમાં વિજયથી માત્ર પાંચ વિકેટ દૂર છે. આમ કુલ ૧૧ ટેસ્ટમાં આ એની ૧૦મી જીત હશે. જો રૂટ, હૅરી બ્રુક અને બેન ફોક્સની ઓવર દીઠ પાંચ રન ફટકારવાની નીતિને કારણે બીજી ઇનિંગ્સમાં એણે ૩૭૪ રન બનાવ્યા હતા. આમ કુલ લીડ ૩૯૩ રનની થઈ હતી.
ચોથી ઇનિંગ્સમાં ફાસ્ટ બોલર સ્ટુઅર્ડ બ્રૉડે ન્યુ ઝીલૅન્ડના ડૅવોન કૉન્વે (૧૨), કેન વિલિયમસન (ઝીરો), ટોમ લેથમ અને પહેલી ઇનિંગ્સમાં સદી કરનાર ટોમ બ્લન્ડેલ (૧)ની વિકેટ લીધી હતી, જેઓ ચોથી ઇનિંગ્સમાં લક્ષ્યાંક સુધી ન્યુ ઝીલૅન્ડને પહોંચાડવામાં સક્ષમ હતા. જો ન્યુ ઝીલૅન્ડ આ લક્ષ્યાંકને આંબી લે તો આ એનો ચોથા ક્રમાંકનો સફળ ચેઝ બની શકે, પરંતુ એ હવે અશક્ય છે.
બલ્નડેલ આઉટ થયો ત્યારે ન્યુ ઝીલૅન્ડનો સ્કોર ૫ વિકેટે ૨૮ રન હતો, જે થોડો સુધરીને ૬૩ પર પહોંચ્યો છે. હજી પણ ટીમ ૩૩૦ રન પાછળ છે. મૅચનો સમય પૂરો થયો ત્યારે ડેરિલ મિશેલ ૧૩ રને અને મિચેલ બ્રેસવેલ ૨૫ રને રમતમાં હતા.
ગઈ કાલે ઇંગ્લૅન્ડના જો રૂટે ૬૨ બૉલમાં ૫૭, બ્રુકે ૪૧ બૉલમાં ૫૪ અને ફોક્સે ૮૦ બૉલમાં ૫૧ રન બનાવ્યા હતા. વળી ઑલી પોપે ૪૬ બૉલમાં ૪૯, બેન સ્ટોક્સે ૩૩૩ બૉલમાં ૩૧ અને ઑલી રૉબિન્સને ૪૮ બૉલમાં ૩૯ રન ફટકાર્યા હતા. બૅટિંગ દરમ્યાન ઇંગ્લૅન્ડ દિવસનો સમય, મૅચની સ્થિતિ અને કોણ બોલિંગ કરી રહ્યું છે એ કોઈ વાત પર ધ્યાન આપતું નહોતું, એનું એકમાત્ર ધ્યેય મૅચ પર પ્રભુત્વ જમાવવાનું હતું. ન્યુ ઝીલૅન્ડ આવી આક્રમક રમત સામે તાલમેલ બેસાડી શક્યું નહોતું. મૅચના બીજા દિવસે બ્લન્ડેલની સદીને કારણે ન્યુ ઝીલૅન્ડ ઇંગ્લૅન્ડના સ્કોરથી માત્ર ૧૯ રન જ દૂર રહ્યું હતું.