15 September, 2024 12:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યોગરાજ સિંહ
યુવરાજ સિંહના ૬૬ વર્ષના પપ્પા યોગરાજ સિંહ વધુ એક વિવાદિત નિવેદનને કારણે ફરી ચર્ચામાં આવ્યા છે. પોતાની ઍકૅડેમીની સખત ટ્રેઇનિંગ વિશે વાત કરતાં તેમણે એક પૉડકાસ્ટમાં કહ્યું હતું કે ‘ત્રણ વર્ષની ઉંમરે મારા પિતાએ જંગલમાં મારી સામે વાઘનો શિકાર કર્યો હતો. શેર કા બચ્ચા ઘાસ નહીં ખાતા, આમ કહીને તેમણે મને વાઘ પર બેસાડીને એનું લોહી મારા હોઠ અને કપાળ પર લગાડ્યું હતું. સૌપ્રથમ તો મૃત્યુનો ડર ખતમ થવો જોઈએ. મને લાગે છે કે મારી ઍકૅડેમી એવી છે. મેં યુવરાજને એવો જ નિર્ભય બનાવ્યો છે.’
સચિન તેન્ડુલકરના દીકરા વિશે શું કહ્યું?
દિગ્ગજ ક્રિકેટર સચિન તેન્ડુલકરના દીકરા અર્જુનને ટ્રેઇનિંગ આપી રહેલા યોગરાજ સિંહે તેના ભવિષ્ય વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘તમે કોલસાની ખાણમાં હીરા જોયા છે? તે કોલસો જ છે. ખાણમાંથી બહાર કાઢવામાં આવે ત્યારે એ કોલસો ખડક બની જાય છે, પણ જો એને યોગ્ય હાથમાં આપવામાં આવે તો એ કોહિનૂર બની જાય છે.’
ધોની પર ફરી કાઢ્યો ગુસ્સો
યુવરાજ સિંહની કરીઅરને ખતમ કરવાનો આરોપ લગાવતાં ફરી યોગરાજ સિંહે ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન વિશે કહ્યું હતું કે ‘એમ. એસ. ધોની એક ભ્રષ્ટ રાજકારણી જેવો છે જે ક્યારેય ઇચ્છતો નહોતો કે ભારતીય ક્રિકેટમાં કોઈનું નામ તેના કરતાં મોટું હોય. તેણે મારા દીકરા સાથે જે કર્યું છે એને ક્યારેય માફ કરી શકાય નહીં.’