14 December, 2024 02:17 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
મુંબઈના અજિંક્ય રહાણેએ ૫૬ બૉલમાં પાંચ સિક્સર અને ૧૧ ફોર સાથે મૅચવિનિંગ ૯૮ રન ફટકાર્યા હતા. તે પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.
ગઈ કાલે બૅન્ગલોરમાં રમાયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી T20 ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં બરોડાને ૬ વિકેટે હરાવીને મુંબઈ આ ટુર્નામેન્ટનાં બીજી વાર ફાઇનલમાં પહોંચી ગયું છે. બરોડાએ ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૫૮ રન કર્યા હતા. મુંબઈએ ૧૭.૨ ઓવરમાં ૪ વિકેટે ૧૬૪ રન બનાવીને આ મૅચ જીતી લીધી હતી.
પૃથ્વી શૉ સાથે ઓપનિંગમાં આવેલા અજિંક્ય રહાણેએ ૫૬ બૉલમાં પાંચ સિક્સર અને ૧૧ ફોર ફટકારીને ૯૮ રન બનાવ્યા હતા અને મૅચવિનર તથા પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. જોકે તે બે રન માટે સેન્ચુરી ચૂકીને આઉટ થઈ ગયો હતો. IPLમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ રહાણેને લીધો છે અને કદાચ તેને કૅપ્ટન પણ બનાવે એવી ચર્ચા વચ્ચે તેણે મુંબઈ વતી T20 મૅચમાં પોતાની કાબેલિયત પુરવાર કરી હતી. રહાણેના આ પર્ફોર્મન્સથી KKRનું મૅનેજમેન્ટ નક્કી રાજી થયું હશે.
પૃથ્વી શૉ (૯) અને સૂર્યકુમાર યાદવ (૧) સસ્તામાં આઉટ થઈ ગયા હતા. કૅપ્ટન શ્રેયર ઐયરે ૩૦ બૉલમાં ૩ સિક્સર અને ૪ ફોરની મદદથી ૪૬ રન કરીને રહાણેને સારો સાથ આપ્યો હતો.
બરોડા વતી આ ટુર્નામેન્ટમાં તોફાની બૅટિંગ કરનાર હાર્દિક પંડ્યા સેમી ફાઇનલમાં માત્ર પાંચ રન કરીને આઉટ થઈ ગયો હતો. તેને શિવમ દુબેએ કૉટ ઍન્ડ બોલ્ડ આઉટ કર્યો હતો.
ગઈ કાલે બૅન્ગલોરમાં મુંબઈ અને બરોડા વચ્ચેની મૅચમાં એક દર્શક મેદાન પર આવી ચડ્યો હતો અને હાર્દિક પંડ્યાને પગે લાગ્યો હતો. સિક્યૉરિટીનો માણસ તેને કાંઠલેથી પકડીને પાછો લઈ જઈ રહ્યો હતો ત્યારે હાર્દિકે તેને ફૅન સાથે સખતાઈ ન કરવાની વિનંતી કરી હતી.
બૅન્ગલોરમાં જ રમાયેલી બીજી સેમી ફાઇનલમાં મધ્ય પ્રદેશે દિલ્હીને ૭ વિકેટે હરાવ્યું હતું. દિલ્હીએ ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૪૬ રન કર્યા હતા, જેના જવાબમાં મધ્ય પ્રદેશે ૧૫.૪ ઓવરમાં ત્રણ વિકેટે ૧૫૨ રન કરીને વિજય મેળવ્યો હતો. મધ્ય પ્રદેશના કૅપ્ટન રજત પાટીદારે ૨૯ બૉલમાં ૬ સિક્સ અને ૪ ફોર ફટકારીને અણનમ ૬૬ રન કર્યા હતા. તે પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.
મુંબઈ અને મધ્ય પ્રદેશ વચ્ચે ડે-નાઇટ ફાઇનલ આવતી કાલે બૅન્ગલોરમાં જ રમાશે અને સાંજે ૪.૩૦ વાગ્યે શરૂ થશે.