પૃથ્વી શૉને વિજય હઝારે ટ્રોફીની પહેલી ત્રણ મૅચ માટે મુંબઈની ટીમમાંથી ફરી ડ્રૉપ કરવામાં આવ્યો

18 December, 2024 09:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ સીઝનમાં કૅપ્ટન્સી કરનાર અજિંક્ય રહાણેને આરામ આપવામાં આવ્યો, શ્રેયસ ઐયર સંભાળશે ટીમની કમાન

પૃથ્વી શૉ

૨૧ ડિસેમ્બરથી શરૂ થતી વિજય હઝારે ટ્રોફી વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટ માટે મુંબઈની ૧૭ સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. પહેલી ત્રણ મૅચ માટે ગઈ સીઝનના કૅપ્ટન અજિંક્ય રહાણેને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે ઓપનિંગ બૅટર પૃથ્વી શૉને ટીમમાં સ્થાન નથી મળ્યું. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જિતાડનાર શ્રેયસ ઐયર આ ટુર્નામેન્ટની શરૂઆતથી મુંબઈની કમાન સંભાળશે. 

સ્પિનર ​​શમ્સ મુલાનીને પણ ટીમમાં સ્થાન મળ્યું નથી. ભારતના T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવને ટીમમાં જગ્યા મળી છે. મુંબઈ ૨૧ ડિસેમ્બરે અમદાવાદમાં કર્ણાટક સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.

લિસ્ટ-A ક્રિકેટનો રેકૉર્ડ શૅર કરી પૃથ્વી શૉએ વ્યક્ત કર્યું દુઃખ 
IPL મેગા ઑક્શનમાં અનસોલ્ડ રહેલા પૃથ્વી શૉને આ ટુર્નામેન્ટ માટે પણ ટીમમાં સ્થાન ન મળતાં તેણે સોશ્યલ મીડિયા પર પોતાનો લિસ્ટ-A ક્રિકેટનો રેકૉર્ડ શૅર કરીને લખ્યું હતું કે ‘ભગવાન, મને કહો, મારે બીજું શું જોવાનું છે? ૬૫ ઇનિંગ્સમાં ૩૩૯૯ રન, ૫૫.૭ની ઍવરેજ અને ૧૨૬નો સ્ટ્રાઇક-રેટ હોવા છતાં હું સારો ક્રિકેટર નથી. પરંતુ હું તમારામાં મારો વિશ્વાસ જાળવી રાખીશ અને આશા છે કે લોકો હજી પણ મારા પર વિશ્વાસ કરશે, કારણ કે હું ચોક્કસપણે વાપસી કરીશ. ઓમ સાંઈ રામ.’

mumbai shreyas iyer ajinkya rahane prithvi shaw suryakumar yadav karnataka ahmedabad test cricket cricket news sports news sports