12 March, 2025 06:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગુજરાત સામે ૬ મૅચમાં ૬ જીત સાથે અજેય રેકૉર્ડ જાળવી રાખ્યો મુંબઈએ
ગઈ કાલે બ્રેબર્ન સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સની મૅચથી વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2025નો અંતિમ રાઉન્ડ મુંબઈમાં શરૂ થયો હતો. મુંબઈએ ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૧૭૯ રન ફટકાર્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમ ૯ વિકેટે ૧૭૦ રન જ કરી શકી હતી. ગુજરાત હવે એલિમિનેટર મૅચ રમશે એ નક્કી છે. મુંબઈ આજે બૅન્ગલોરને હરાવીને સીધી ફાઇનલમાં પહોંચી શકશે.
ટૉસ હારીને બૅટિંગ કરવા આવેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમે ૭ ઓવરમાં ૪૬ રનના સ્કોર પર બે વિકેટ ગુમાવી દીધી હતી. કૅપ્ટન હરમનપ્રીત કૌર (૩૩ બૉલમાં ૫૪ રન) અને નેટ સાયવર બ્રન્ટે (૩૧ બૉલમાં ૩૮ રન)એ પાંચમી વાર ફિફ્ટી પ્લસ રનની પાર્ટનરશિપ કરી ટીમનો સ્કોર ૧૭૯/૬ સુધી પહોંચાડવામાં મુખ્ય યોગદાન આપ્યું હતું. નેટ સાયવર બ્રન્ટે આ સીઝનમાં ૩૪૭ રન ફટકારીને એક સીઝનમાં હાઇએસ્ટ રન કરવાના બૅન્ગલોરની એલિસ પેરીના ૨૦૨૪ના રેકૉર્ડની બરાબરી કરી છે. સ્ટાર ઑલરાઉન્ડર હેલી મૅથ્યુઝ અને અમનજોત કૌરે ૨૭-૨૭ રનનું યોગદાન આપ્યું હતું. ગુજરાત જાયન્ટ્સ તરફથી ઍશ્લે ગાર્ડનર, કાશ્વી ગૌતમ, પ્રિયા મિશ્રા અને તનુજા કંવરે એક-એક વિકેટ લીધી હતી.
૧૮૦ રનના ટાર્ગેટ સામે ગુજરાત જાયન્ટ્સની અડધી ટીમ ૧૦.૫ ઓવરમાં ૭૦ રનના સ્કોર પર પૅવિલિયનમાં પહોંચી ગઈ હતી ત્યારે ઑલરાઉન્ડર ભારતીય ફૂલમાલીએ બાવીસ બૉલમાં ફિફ્ટી ફટકારીને જીતની આશા જીવંત રાખી હતી. પચીસ બૉલમાં આઠ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકારનાર ફૂલમાલી જ્યારે મેલી કૅર (ત્રણ વિકેટ)નો શિકાર બની ત્યારે મૅચ ઑલમોસ્ટ મુંબઈના પક્ષમાં આવી ગઈ હતી. જોકે અંતિમ ઓવર્સમાં પૂંછડિયા બૅટર્સ સિમરન શેખ (૧૮ રન) અને તનુજા કંવરે (૧૦ રન) અંતિમ ઓવરમાં જીત માટે ૧૩ રન કરવાની સ્થિતિ ઊભી કરી દીધી હતી, પણ હેલી મૅથ્યુઝની શાનદાર બોલિંગને કારણે ગુજરાત સામે મુંબઈએ પોતાનો અજેય રેકૉર્ડ જાળવી રાખ્યો હતો.