18 August, 2022 12:05 PM IST | Mumbai | Harit N Joshi
વિનોદ કાંબળી
ભારતના ભૂતપૂર્વ બૅટર વિનોદ કાંબળીની આર્થિક મુશ્કેલીઓ પર ‘મિડ-ડે’એ ગઈ કાલના અંકમાં જે પ્રકાશ પાડ્યો એ પછી તેના માટે ઉમળકાભેર પ્રતિસાદ જોવા મળ્યો છે. જોકે મુંબઈ ક્રિકેટ અસોસિએશન (એમસીએ) કે જેની પાસે કાંબળી ક્રિકેટ-સંબંધિત કામની અપેક્ષા રાખી રહ્યો છે એના તરફથી તેને નજીકના ભવિષ્યમાં કોઈ અસાઇનમેન્ટ મળે એવી કોઈ નક્કર ખાતરી હમણાં નથી આપવામાં આવી.
કાંબળી એમસીએની ક્રિકેટ ઇમ્પ્રુવમેન્ટ કમિટી (સીઆઇસી)માં છે, પરંતુ એ માત્ર માનદ્ હોદ્દો છે. સૂત્ર પાસેથી ‘મિડ-ડે’ને જાણવા મળ્યું હતું કે ‘૨૦૨૧માં એમસીએ ઍપેક્સ કાઉન્સિલે કાંબળીને આર્થિક રીતે મદદરૂપ થઈ શકાય એ હેતુથી ખાસ તેના માટે જનરલ મૅનેજર (ક્રિકેટ ઑપરેશન્સ)નો હોદ્દો ઊભો કરવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ કાંબળીનો (દારૂ પીધેલી કથિત હાલતવાળો) એક વિડિયો વાઇરલ થયા બાદ અમે આગળ વધવાનું ટાળ્યું હતું.’
થઈ શક્યું એટલું કર્યું : એમસીએ
બીજા એક સૂત્ર પાસેથી જાણવા મળ્યું કે ‘કાંબળી માટે એમસીએથી થઈ શક્યું એટલું કર્યું જ છે. બીકેસી ક્લબમાં અમે એક ઍકૅડેમી સ્થાપવા ખાસ તેના માટે પરમિશન માગી હતી. અમે ફ્લડ લાઇટ્સમાં તેનાં સેશન્સ રાખતાં હતાં. સીઆઇસી મીટિંગ માટે અમે તેને તેના ઘરેથી લઈ આવવા કાર મોકલતા હતા, પરંતુ તે કલાકોનો વિલંબ કરતો હતો અને ફોનનો જવાબ નહોતો આપતો.’
સુલક્ષણ કુલકર્ણીનું સૂચન
જોકે મુંબઈના રણજી ટ્રોફી વિનિંગ કોચ સુલક્ષણ કુલકર્ણીનું માનવું છે કે ‘અન્ડર-૧૯ સ્ટેટ ટીમ અથવા સિનિયર સ્ટેટ ટીમને બૅટિંગનું કોચિંગ આપવા કાંબળી શ્રેષ્ઠ વિકલ્પ કહી શકાય. બૅટિંગની બાબતમાં તેનામાં ગજબની કલા છે અને બૅટરની માનસિકતા બદલવાની તેનામાં આવડત પણ છે. ધોનીની જેમ તેનામાં રનિંગ બિટ્વિન ધ વિકેટ્સની પણ ગજબની કળા છે.’
સીઆઇસીના એક ભૂતપૂર્વ મેમ્બરના મતે એમસીએ ઇચ્છે તો આગામી ડોમેસ્ટિક સીઝન માટે કાંબળીને કોઈ રોલ આપીને તેને પોતાના પ્લાનમાં સમાવી શકે એમ છે.