01 September, 2024 11:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
હૉન્ગકૉન્ગનો ફાસ્ટ બોલર આયુષ શુક્લા T20 ઇન્ટરનૅશનલમાં ૪ મેઇડન ઓવર ફેંકનાર વિશ્વનો ત્રીજો બોલર બની ગયો છે. મૉન્ગોલિયા સામે રમાયેલી T20 વર્લ્ડ કપ એશિયા ક્વૉલિફાયર-A મૅચમાં હૉન્ગકૉન્ગની ટીમે પ્રથમ બોલિંગ કરી હતી, જે દરમ્યાન આયુષ શુક્લાએ એક પછી એક સતત ચાર ઓવર ફેંકી અને એક પણ રન ન આપ્યો. ૨૦૦૨માં મુંબઈમાં જન્મેલો આયુષ શુક્લા એક વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. ૨૦૨૨ના એશિયા કપમાં તે રોહિત શર્માને આઉટ કરીને ચર્ચામાં આવ્યો હતો.
ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ચાર મેઇડન ઓવર્સ ફેંકવાનો રેકૉર્ડ આ પહેલાં પનામાના સાદ બિન જફર (2021) અને ન્યુ ઝીલૅન્ડના લૉકી ફગ્યુર્સને (2024) બનાવ્યો હતો. ૨૧ વર્ષનો આયુષ ૨૦૨૨થી ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમી રહ્યો છે અને તેણે ૩૫ મૅચમાં કુલ ૩૦ વિકેટ ઝડપી છે. ક્રિકેટમાં કરીઅર આગળ વધારવા માટે તે હૉન્ગકૉન્ગ શિફ્ટ થયો હતો.
૧૦ બૉલમાં ખેલ ખતમ
આ મૅચમાં મૉન્ગોલિયા ૧૪.૨ ઓવરમાં ૧૭ રન બનાવી ઑલઆઉટ થયું હતું જે પુરુષોની T20 ઇન્ટરનૅશનલનો ત્રીજો સૌથી ઓછો સ્કોર હતો જેના સામે હૉન્ગકૉન્ગની ટીમે એક વિકેટ ગુમાવીને ૧૦ બૉલમાં ૧૮ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. ૧૧૦ બૉલ પહેલાં મળેલી આ જીત બાકી બૉલના મામલે પુરુષોની T20 ઇન્ટરનૅશનલની ત્રીજી સૌથી મોટી જીત હતી. હૉન્ગકૉન્ગનો સ્પિનર એહસાન ખાન આ મૅચમાં ત્રણ ઓવરમાં પાંચ રન આપીને ચાર વિકેટ લેવામાં સફળ રહ્યો હતો જેના કારણે તે પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.