01 April, 2023 12:57 PM IST | Ahmedabad | Adhirajsinh Jadeja
એમ.એસ ધોની
આઇપીએલ ૨૦૨૩ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. પહેલી જ મૅચ ગયા વર્ષની ચૅમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ૪ વખતની ચૅમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ. આ સીઝનમાં કુલ ૭૪ મૅચ રમાશે. ૩ વર્ષ બાદ આઇપીએલમાં હોમ અને અવેનું ફૉર્મેટ આવ્યું છે. ગઈ સીઝનમાં ગુજરાત ટાઇટન્સ પહેલી વાર મેદાનમાં ઊતરી હતી અને ઇતિહાસ રચતાં ટાઇટલ જીત્યું હતું. તો ગુજરાતના સુકાની હાર્દિક પંડ્યાએ પણ પહેલી વાર સુકાનીપદ સંભાળીને ટીમને ચૅમ્પિયન બનાવીને ઇતિહાસ રચ્યો હતો. જોકે બીજી તરફ વાત કરીએ તો હાર્દિકનો ગુરુ એટલે મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની ટીમને ૪ વાર આઇપીએલમાં ચૅમ્પિયન બનાવી છે, જે લીગમાં બીજા નંબરની સૌથી સફળ ટીમ છે.
૭ નંબર માહીને સૌથી પ્રિય
ધોનીની વાત કરીએ તો તેના નામે એક એવો અનોખો રેકૉર્ડ નોંધાયો છે જે જાણીને નવાઈ લાગશે અને આ પહેલાં આ રેકૉર્ડ ક્યારેય સાંભળ્યો કે વાંચ્યો નહીં હોય. ધોનીના ચાહક કે પછી ક્રિકેટચાહકને ખ્યાલ જ હશે કે ધોનીનો પ્રિય નંબર ૭ છે, તો આ ૭ નંબરને લઈને એક અનોખો રેકૉર્ડ ધોનીના નામે જોડાયેલો છે.
શું છે આ ૭ નંબરનો રેકૉર્ડ?
ધોનીના નામે ૭ નંબરના આંકડા સાથે એક એવો અનોખો રેકૉર્ડ જોડાયેલો છે જે કદાચ જ કોઈ ખેલાડી પોતાની સાથે જોડવા માગશે. જોકે ધોનીના નામે એટલા રેકૉર્ડ નોંધાયા છે જેનો મોટા ભાગના ધોનીના ચાહકો અને ક્રિકેટચાહકોને ખ્યાલ જ હશે, પરંતુ આ રેકૉર્ડ ભાગ્યે જ કોઈના ધ્યાનમાં આવ્યો હશે. ધોનીનો લકી નંબર ૭ છે, કારણ કે એ તેની જન્મતારીખ છે. ધોનીનો આ ખાસ રેકૉર્ડ પણ ૭ નંબર સાથે જોડાયેલો છે.
ધોની અત્યાર સુધી એવા ૭ બોલરો સામે આઉટ થયો હતો જ્યારે તેનો (ધોની) સ્કોર ૭ રનનો હતો અને તે પણ આઇપીએલ અને ચૅમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટમાં. એટલે કે ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ તરફથી રમતો ધોની આ બન્ને લીગમાં અત્યાર સુધી ૭ અલગ-અલગ બોલરો સામે ૭ રનના સ્કોર પર આઉટ થયો છે.
જાણો ક્યારે અને કોણે ધોનીને ૭ રનના સ્કોર પર આઉટ કર્યો હતો
૧) ૨૦૧૦ માં ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ તરફથી રમતા ધોનીને ૭ રનના સ્કોર પર ડેક્કન ચાર્જર્સ ટીમના સ્પિનર પ્રજ્ઞાન ઓઝાએ આઉટ કર્યો હતો.
૨) ૨૦૧૨માં ધોનીને ૭ રનના સ્કોર પર ફરીથી ડેક્કન ચાર્જર્સના સાઉથ આફ્રિકન બોલર ડેલ સ્ટેને આઉટ કર્યો હતો.
૩) ૨૦૧૪માં ધોનીને ૭ રનના સ્કોર પર બૅન્ગલોર ટીમના એ. એહમદે આઉટ કર્યો હતો.
૪) ૨૦૧૭માં ધોનીને ૭ રનના સ્કોર પર મુંબઈ ઇન્ડિયન્સના જસપ્રીત બુમરાહે આઉટ કર્યો હતો.
૫) ગયા વર્ષે ૨૦૨૨માં ધોનીને ૭ રનના સ્કોર પર ગુજરાત ટાઇટન્સના મોહમ્મદ શમીએ આઉટ કર્યો હતો.
૬) ૨૦૧૧માં ધોનીને ૭ રનના સ્કોર પર ચૅમ્પિયન્સ ટ્રોફીની ટ્રિનિડૅડ ટીમના સ્પિનિંગ ઓલરાઉન્ડર સુનીલ નારાયણે આઉટ કર્યો હતો.
૭) ૨૦૧૩માં ધોનીને ૭ રનના સ્કોર પર ચૅમ્પિયન્સ ટ્રોફીની નાશુઆ ટાઇટન્સ ટીમના રિચર્ડ્સને આઉટ કર્યો હતો.