ગુજરાતી બાય બર્થ, એમએસડી ફૅન બાય ચૉઇસ

01 April, 2023 01:35 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

ધોનીના મુંબઈના ગુજ્જુ ફૅન્સ તેને રમતો જોવા અમદાવાદ સ્ટેડિયમ પહોંચ્યા હતા અને આઇપીએલની આ સીઝનમાં ધોની જ્યાં રમવા જશે ત્યાં આ મુંબઈકર ફૅન્સ પણ જશે

મુંબઈના કાંદિવલીથી અમદાવાદમાં આઇપીએલની ઓપનિંગ મૅચ જોવા આવેલા દિવ્યેશ ધોળકિયા, પૂજા ધોળકિયા અને તેમની ફૅમિલીના સભ્યો.


‘GUJARATI BY BIRTH, MSD FAN BY CHOICE’ આવાં પ્લૅકાર્ડ સાથે ગઈ કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં મુંબઈના કાંદિવલીમાં રહેતી ધોળકિયા ફૅમિલીએ એન્ટ્રી લેતાં તેમની તરફ સૌનું ધ્યાન ગયું હતું. ધોનીના મુંબઈના ગુજ્જુ ફૅન્સ તેને રમતો જોવા અમદાવાદ સ્ટેડિયમ પહોંચ્યા હતા અને આઇપીએલની આ સીઝનમાં ધોની જ્યાં રમવા જશે ત્યાં આ મુંબઈકર ફૅન્સ પણ જશે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલી વાર આઇપીએલની ઓપનિંગ મૅચ રમાવાની હોવાથી અને પહેલી વાર ઓપનિંગ સેરેમની હોવાથી કાંદિવલીમાં રહેતા દિવ્યેશ ધોળકિયા તેની વાઇફ પૂજા સહિત સુરતમાં રહેતા તેમની ફૅમિલીના સભ્યો સાથે ધોનીને સપોર્ટ કરવા ગઈ કાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગયાં હતાં. 


દિવ્યેશ ધોળકિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે જન્મથી ગુજરાતી છીએ, પણ ચૉઇસથી ધોનીના ફૅન્સ છીએ એટલે આટલે દૂરથી તેની મૅચ જોવા આવ્યાં છીએ. આ પ્લૅકાર્ડ એટલે જ અમે બનાવ્યું છે કે ભલે અમે ગુજરાતી છીએ, પણ ધોની અમે તારા ડાઇહાર્ડ ફૅન્સ છીએ. ધોની કૅપ્ટન કૂલ છે. મેદાન પર તેની કૅપ્ટન્સી જોવી ગમે છે. એક વ્યક્તિ તરીકે પણ ધોની ગુડ પર્સન છે. ધોનીને મેદાન પર રમતો જોવો અને તેને નેતૃત્વ સંભાળતો જોવો એક લહાવો છે. એમાં પણ તેના હેલિકૉપ્ટર શૉટ જોવા મળે તો મજા પડી જાય છે. અમે બધા ફૅમિલીના સભ્યો સાથે બેસીને મૅચનો આનંદ લઈ શકીએ એટલે મારી સાથે મારી વાઇફ પૂજા અને મીત ધોળકિયા તથા યશ તલાટી મુંબઈથી આવ્યાં છીએ તેમ જ સુરતથી મારી ફૅમિલીના સભ્યો અતુલ તલાટી, રિશીતા અને ગીતા તલાટી અહીં આવ્યાં છીએ.’

અમદાવાદમાં ગઈ કાલે ધોનીની જેમ ‘૭’ નંબરવાળા જર્સીમાં મૅચ જોવા આવેલા તેમના ચાહકો.

sports news cricket news ipl 2023 ms dhoni ahmedabad