25 January, 2024 06:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મોહમ્મદ સિરાજ
હૈદરાબાદ : મોહમ્મદ સિરાજનું હૈદરાબાદમાં પહેલી ટેસ્ટ મૅચ રમવાનું લગભગ નક્કી છે. સિરાજ ભારતીય ટીમમાં હાલમાં મુખ્ય બોલરમાંનો એક છે. હોમ ગ્રાઉન્ડમાં ટેસ્ટ રમતાં પહેલાં સિરાજ પોતાના પિતાને યાદ કરતાં ભાવુક થયો હતો. તેણે કહ્યું કે ભારત માટે રમતો જોવાનું મારા પિતાનું સપનું હતું.
જિયો સિનેમા સાથે વાત કરતા મોહમ્મદ સિરાજે કહ્યું કે ‘ઑસ્ટ્રેલિયામાં ડેબ્યુ પહેલાં મેં મારા પિતાને ગુમાવ્યા હતા. એ મારા માટે સૌથી મુશ્કેલ સમય હતો, પણ મેં વિચાર્યું કે મારા પિતાનું સપનું હતું કે હું ભારત માટે રમું અને મારે મારા પિતાનું સપનું પૂરું કરવું જોઈએ.’ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝની પહેલી મૅચ ૨૫ જાન્યુઆરીથી હૈદરાબાદમાં શરૂ થઈ રહી છે. એ પહેલાં ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ અંગત પારિવારિક કારણસર પહેલી બે ટેસ્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે ત્યારે તેના સ્થાને બોર્ડે આઇપીએલમાં આરસીબી ટીમમાં કોહલીના સાથીદાર રજત પાટીદારને પહેલી બે ટેસ્ટ માટે સ્થાન મળ્યું છે. આ લિસ્ટમાં કોહલીના સ્થાને રજત પાટીદારની સાથે સરફરાઝ ખાન અને ચેતેશ્વર પુજારાનું નામ ચર્ચામાં હતું. જોકે અંતે રજત પાટીદારે પોતાનું સ્થાન નક્કી કરી લીધું છે. રજત પાટીદાર હાલમાં ટીમ ઇન્ડિયા સાથે હૈદરાબાદમાં જોડાઈ ગયો છે.