22 January, 2025 11:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કલકત્તામાં એક સન્માન સમારોહમાં ક્રિકેટ અસોસિએશન ઑફ બંગાળના પ્રમુખ સ્નેહાશિષ ગાંગુલી સાથે મોહમ્મદ શમી સહિત ભારતીય સ્ટાર રહ્યા હાજર.
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી આજે કલકત્તામાં ઇન્ટરનૅશનલ વાપસી માટે તૈયાર છે. ભારત અને ઇંગ્લૅન્ડની પહેલી T20 મૅચ પહેલાં તેણે ક્રિકેટ અસોસિએશન ઑફ બંગાળના એક સન્માન સમારોહમાં સૌરવ ગાંગુલી, ઝુલન ગોસ્વામી અને મિતાલી રાજ સાથે હાજરી આપી હતી.
આ ઇવેન્ટમાં મોહમ્મદ શમીએ પોતાની વાપસી વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘દેશ માટે રમવાની ભૂખ ક્યારેય ખતમ ન થવી જોઈએ. જો તમે કોઈને પ્રેમ કરો છો, તો તમે હંમેશાં ફાઇટબૅક કરશો, ભલે તમે ૧૦ વાર ઇન્જર્ડ કેમ ન થઈ જાઓ. મારું માનવું છે કે દેશ માટે રમવાની ભૂખ ક્યારેય ખતમ ન થવી જોઈએ. મારા મનમાં હંમેશાં એ રહે છે કે હું ગમે એટલી મૅચ રમું, એ મારા માટે ઓછી હશે, કારણ કે એક વાર હું ક્રિકેટ છોડી દઈશ તો કદાચ એ ફરી ક્યારેય નહીં થાય. રાજ્ય કે દેશ માટે રમતા પ્લેયર ઇન્જર્ડ થયા બાદ રમત છોડી દેવાનું નથી વિચારતા, તેઓ વિચારે છે કે હું વાપસી ક્યારે કરીશ.’
મોહમ્મદ શમી ૨૦૨૩ની ૧૯ નવેમ્બરે વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં છેલ્લી ઇન્ટરનૅશનલ મૅચ રમ્યો હતો. ત્યાર બાદ ઘૂંટણની ઇન્જરીની સારવારને કારણે તે ભારતીય ટીમમાં વાપસી કરી શક્યો નહોતો, પણ હવે તેણે ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ ઉપરાંત ચૅમ્પિયન્સ ટ્રોફી 2025ની ટીમમાં પણ સ્થાન મેળવ્યું છે. આજે તે ઑલમોસ્ટ ૪૩૦ દિવસ બાદ ઇન્ટરનૅશનલ ક્રિકેટ-મૅચ રમતો જોવા મળશે.