ક્રિકેટથી કંટાળો આવશે ત્યારે રિટાયરમેન્ટનું ટ્વીટ કરી દઈશ

09 February, 2024 07:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવું કહે છે વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩માં ધમાલ મચાવનાર ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી

મોહમ્મદ શમી

ભારતીય ટીમ હાલમાં ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટ સિરીઝ રમી રહી છે, પણ એમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઈજાને કારણે નથી રમી રહ્યો. વર્લ્ડ કપ ૨૦૨૩માં ઈજા પહોંચી હતી ત્યારે આ વચ્ચે તેણે પોતાની નિવૃત્તિને લઈને મહત્ત્વની વાત કરી દીધી હતી. મોહમ્મદ શમીએ કહ્યું કે જ્યારે રિટાયર થવાનું નક્કી કરીશ ત્યારે નિવૃત્તિને લઈને ટ્વીટ કરી દઈશ. વાત એમ હતી કે એક ઇવેન્ટમાં મોહમ્મદ શમીએ હાજરી આપી હતી અને એ દરમ્યાન તેને ઘણા પ્રશ્ન કરવામાં આવ્યા હતા. એ વખતે તેને નિવૃત્તિને લઈને પૂછતાં તેણે કહ્યું કે જ્યારે મને ક્રિકેટથી કંટાળો આવશે ત્યારે ક્રિકેટ છોડી દઈશ, કારણ કે મારે કોઈ પ્રકારનું પ્રેશર નથી લેવું.

ટ્વીટ કરી દઈશ
ભારતીય સ્ટાર ક્રિકેટર મોહમ્મદ શમીએ કહ્યું કે મારા પરિવારમાં એવું કોઈ નથી જે મારી કારકિર્દી કે પછી અન્ય વાતને લઈ મને સમજાવે. મોહમ્મદ શમીએ વધુમાં કહ્યું કે ‘જે દિવસે સવારે ઊઠીને એવું લાગશે કે યાર, ગ્રાઉન્ડ જવું પડશે ત્યારે એ જ દિવસે ટ્વીટ કરી દઈશ કે ભાઈ હું નિવૃત્ત થઈ રહ્યો છું.’ શમીનું આ નિવેદન સોશ્યલ મીડિયામાં ઘણું વાઇરલ થઈ રહ્યું છે. મોહમ્મદ શમી ૩૩ વર્ષનો છે. તે વર્લ્ડ કપ પછી ક્રિકેટના મેદાનથી દૂર રહ્યો છે. શમીએ ભારત માટે અત્યાર સુધી ૬૪ મૅચમાં ૨૨૯ વિકેટ ઝડપી છે, તો ૧૦૧ વન-ડે મૅચમાં ૧૯૫ વિકેટ ઝડપી છે. મોહમ્મદ શમી ભારત માટે ૨૩ ટી૨૦માં ૨૪ વિકેટ ઝડપી ચૂક્યો છે. ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં ટીમ ઇન્ડિયાને મોહમ્મદ શમીની ગેરહાજરી તકલીફ આપી રહી છે.

હાલમાં પૂરા થયેલા વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩માં મોહમ્મદ શમી ટીમ ઇન્ડિયા માટે સૌથી સફળ બોલર તરીકે સામે આવ્યો હતો. શરૂઆતની કેટલીક મૅચમાં તે નહોતો રમ્યો, પરંતુ હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થતાં તેને ટીમમાં સ્થાન મળ્યું હતું અને ત્યાર બાદથી તેણે પાછું વળીને જોયું નથી. વર્લ્ડ કપની તમામ મૅચમાં તે કેર બનીને ઊતર્યો હતો.

mohammed shami cricket news indian cricket team sports news sports