ભારતનું લાંબું ઇન્જરી લિસ્ટ : શમી ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ અને સૂર્યા આઇપીએલની શરૂઆતની મૅચો નહીં રમી શકે

09 January, 2024 07:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સૂર્યકુમાર યાદવ સ્પોર્ટ્‌સ હર્નિયાની સારવાર માટે જર્મની જશે, હાલ તે નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીમાં છે

સૂર્યકુમાર યાદવ , મોહમ્મદ શમી

મુંબઈ : રોહિત શર્માની કૅપ્ટન્સીવાળી ભારતીય ટીમને એક મોટો ઝટલો લાગ્યો છે. ભારતના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઇંગ્લૅન્ડ સામેની ઘરઆંગણે રમાનાર ૫ મૅચની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ શકે છે. એનું મોટું કારણ તેની ઈજા છે. બીજી તરફ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પાંચ વારની ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સને પણ માથાનો દુખાવો થઈ રહ્યો છે. જેનું મોટું કારણ સૂર્યકુમાર યાદવ છે. સૂર્યકુમાર યાદવ હાલ ઈજાગ્રસ્ત છે. ભારતીય ટીમ ૧૧ જાન્યુઆરીથી અફઘાનિસ્તાન સામે ત્રણ મૅચની ટી૨૦ સિરીઝ રમશે. આ ટી૨૦ સિરીઝ માટે સૂર્યકુમાર યાદવની પસંદગી થઈ નથી.
અફઘાનિસ્તાન બાદ ઘરઆંગણે ભારતીય ટીમ પાંચ મૅચની ટેસ્ટ સિરીઝ પણ રમશે. એવામાં આ ટેસ્ટ સિરીઝમાં મોહમ્મદ શમી સિરીઝની પહેલી બે મૅચ ગુમાવશે અથવા સમગ્ર સિરીઝમાંથી બહાર થશે એવું માનવામાં આવી રહ્યું છે. એનો સંપૂર્ણ આધાર તેના મેડિકલ રિપોર્ટ પર રહેશે.

શમીએ હજી બોલિંગ-પ્રૅક્ટિસ કરવાની શરૂ પણ નથી કરી
વર્લ્ડ કપ ૨૦૨૩ બાદથી મોહમ્મદ શમી ઈજાને કારણે ક્રિકેટના મેદાનથી સંપૂર્ણ બહાર છે. તેણે વર્લ્ડ કપ ૨૦૨૩માં સૌથી વધુ ૨૪ વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો. હાલ ૩૩ વર્ષના મોહમ્મદ શમીએ અત્યાર સુધી બોલિંગ-પ્રૅક્ટિસ પણ શરૂ નથી કરી. તેની સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ માટે પસંદગી પણ થઈ હતી, પરંતુ ઈજાને કારણે સિરીઝમાંથી તેનું નામ બહાર કરી દેવું પડ્યું હતું.

ભારતના એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે શમી ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં પહેલી બે મૅચમાં બહાર રહેવાની સંભાવના પૂરેપૂરી છે. તેની ગેરહાજરીનું મુખ્ય કારણ તેના પગમાં થયેલી ઈજા છે. ઈજામાંથી બહાર આવ્યા બાદ પોતાની ફિટનેસ સાબિત કરવા માટે શમીએ એનસીએમાં જવું પડશે. ત્યાર બાદ જ તેની ટીમમાં પસંદગીને લઈને વિચાર કરવામાં આવશે.

સૂર્યાની સર્જરી જર્મનીમાં થશે
સૂર્યકુમાર યાદવે હાલ જ સાઉથ આફ્રિકાના પ્રવાસમાં ટી૨૦ ટીમમાં કૅપ્ટનશિપની જવાબદારી સંભાળી હતી. એ પહેલાં ભારતમાં ઑસ્ટ્રેલિયા સામેની ટી૨૦ સિરીઝમાં પણ તે સુકાનીપદની જવાબદારી સંભાળી ચૂક્યો છે. સાઉથ આફ્રિકા સામેની ટી૨૦ સિરીઝ દરમ્યાન સૂર્યકુમાર યાદવને પગના ઘૂંટણમાં ઈજા પહોંચી હતી. એટલે તે અફઘાનિસ્તાન સામેની ટી૨૦ સિરીઝમાંથી પણ બહાર થઈ ગયો છે. મળતી માહિતી પ્રમાણે સૂર્યકુમાર યાદવ ડોમેસ્ટિક સીઝન અને આઇપીએલની શરૂઆતની મૅચમાં પણ રમી નહીં શકે. સૂર્યકુમાર યાદવનું સારણગાંઠનું પણ ઑપરેશન થવાનું છે જે જર્મનીમાં થશે. ભારતના અંગ્રેજી અખબારના રિપોર્ટ પ્રમાણે સૂર્યકુમાર યાદવને સ્પોર્ટ્સ હર્નિયાની સમસ્યા છે. જોકે હાલ તે નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી (એનસીએ) બૅન્ગલોરમાં છે. ૨-૩ દિવસમાં તે મ્યુનિક, જર્મની જશે, જ્યાં તેની સારવાર થશે.

indian cricket team sports news sports rohit sharma mohammed shami cricket news