19 December, 2024 01:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મિચલ સૅન્ટનર
૩૨ વર્ષના લેફ્ટ આર્મ સ્પિનર મિચલ સૅન્ટનરને કેન વિલિયમસનના સ્થાને ન્યુ ઝીલૅન્ડની વાઇટ બૉલ ફૉર્મેટની ટીમનો કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. જૂન ૨૦૨૪માં T20 વર્લ્ડ કપ બાદ અનુભવી બૅટર વિલિયમસને આ પદ છોડ્યું હતું. પાર્ટટાઇમ કૅપ્ટન તરીકે સૅન્ટનરે ૨૪ T20 અને ચાર વન-ડેમાં ટીમનું નેતૃત્વ કર્યું છે અને કુલ ૧૪ ઇન્ટરનૅશનલ મૅચમાં જીત મેળવી છે. પોતાને ફુલટાઇમ ગૉલ્ફ પ્લેયર અને પાર્ટટાઇમ ક્રિકેટર ગણાવતા સૅન્ટનર પર હવે કિવી ટીમની ૨૦૨૫ની વન-ડે ચૅમ્પિયન્સ ટ્રોફી અને ૨૦૨૬નો T20 વર્લ્ડ કપ જિતાડવાની જવાબદારી છે.
૨૦૧૫માં ત્રણેય ફૉર્મેટમાં ડેબ્યુ કરનાર આ ઑલરાઉન્ડરે ભારત સામે ટેસ્ટમાં ક્લીન સ્વીપ કરવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું અને ત્યાર બાદ નવેમ્બરની શરૂઆતમાં પાર્ટટાઇમ કૅપ્ટન તરીકે શ્રીલંકા સામે વન-ડે અને T20 ટીમનું નેતૃત્વ કર્યું હતું. ૨૮ ડિસેમ્બરથી શ્રીલંકાની ટીમ ન્યુ ઝીલૅન્ડની ધરતી પર T20 અને વન-ડે સિરીઝ રમવા આવશે ત્યારે સૅન્ટનરની ફુલટાઇમ કૅપ્ટન તરીકેની સફર શરૂ થશે. તેને ૧૦૭ વન-ડે, ૧૦૬ T20 અને ૩૦ ટેસ્ટ-મૅચ રમવાનો અનુભવ છે.