બેશરમ મિચલ માર્શ કહે છે કે ‘ફરી ટ્રોફી પર પગ રાખતાં નહીં અચકાઉં’

02 December, 2023 11:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિલ્હી કૅપિટલ્સે રિટેન કરેલા ઑલરાઉન્ડરે કહ્યું કે ‘મને આમાં અપમાન જેવું કંઈ લાગ્યું જ નથી’

૧૯ નવેમ્બરે અમદાવાદના મેદાન પર ગ્લેન મૅક્સવેલ અને ડેવિડ વૉર્નરે ટ્રોફીને ચૂમીને એનું સન્માન કર્યું હતું(ડાબે), પરંતુ ડ્રેસિંગરૂમમાં નશામાં ધૂત મિચલ માર્શે ટ્રોફી પર પગ રાખીને એનું ઘોર અપમાન કર્યું હતું

ઑસ્ટ્રેલિયાનો પેસ બોલિંગ ઑલરાઉન્ડર મિચલ માર્શ એક તરફ આવતા મહિને પાકિસ્તાન સામે શરૂ થનારી ટેસ્ટ-સિરીઝમાં રમવા મળશે એવી આશા રાખીને બેઠો છે ત્યારે બીજી બાજુ દિલ્હી કૅપિટલ્સે તેને ૨૦૨૪ની આઇપીએલ માટે રિટેન કર્યો છે. ક્રિકેટજગતની સૌથી લોકપ્રિય લીગ ટુર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના ફ્રૅન્ચાઇઝી દિલ્હી કૅપિટલ્સે માર્શને ટીમમાં જાળવી રાખીને તેનું માન રાખ્યું છે, જ્યારે બીજી તરફ માર્શે ભારતમાં તાજેતરમાં જીતેલી વન-ડે વર્લ્ડ કપની ટ્રોફીને કરેલા અપમાનને રિપીટ કરવાની નફ્ફટાઈ ગઈ કાલે વ્યક્ત કરી હતી.

હાથમાં ગ્લાસ અને પગ ટ્રોફી પર
૧૯ નવેમ્બરે અમદાવાદમાં વિશ્વકપની ભારત સામેની ફાઇનલ જીત્યા પછી માર્શ એક હાથમાં બિયરનો ગ્લાસ પકડીને બન્ને પગ ચૅમ્પિયન ટ્રોફી પર રાખીને બેઠો હતો. તેના આ બેહૂદા વર્તનવાળો ફોટો તેના જ કૅપ્ટન પૅટ કમિન્સના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં અપલોડ થયો હતો (જે પછીથી ડિલીટ થયો હતો) અને પછીથી વિશ્વભરમાં વાઇરલ થતાં માર્શની ભારે ટીકા થઈ હતી તેમ જ તેની વિરુદ્ધ સોશ્યલ મીડિયામાં એવી માગણી કરાઈ હતી કે આઇસીસીએ માર્શ સામે કડક પગલાં ભરવાં જોઈએ તેમ જ માર્શને આઇપીએલમાંથી કાઢી મૂકવો જોઈએ. કેટલાક નેટ-યુઝર્સે લખ્યું હતું કે ‘આના પરથી જ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે કલ્ચરને લગતો જે તફાવત છે એ દેખાઈ આવે છે.’ એક જણે લખ્યું હતું કે ‘ભારતમાં ટ્રોફી પૂજાય છે, પણ ઑસ્ટ્રેલિયા જેવા કેટલાક દેશોમાં ટ્રોફીને પગ અડાડવો એ કોઈ રીતે એનું અપમાન કર્યું ન કહેવાય.’

વર્લ્ડ કપ ૨૦૨૩ના નંબર-વન બોલર મોહમ્મદ શમી (૭ મૅચમાં હાઇએસ્ટ ૨૪ વિકેટ)એ પત્રકારોને કહ્યું હતું કે ‘માર્શનું આ ગેરવર્તન કોઈને પણ આઘાત અને દુઃખ પહોંચાડનારું છે. બધી ટીમો ટ્રોફી જીતીને માથા પર મૂકવાની ઝંખના રાખતા હોય છે ત્યારે માર્શે ટ્રોફી પર પગ રાખ્યા એ જોઈને મને બહુ દુઃખ થયું.’

હું બહુ વિચારતો નથી : માર્શ
જોકે માર્શે ગઈ કાલે એસઈએન રેડિયોને ઇન્ટરવ્યુમાં વર્લ્ડ કપની ટ્રોફીનું અપમાન કરાયું હોવાની ટીકા વિશે કહ્યું હતું કે ‘દેખીતી રીતે, મારી દૃષ્ટિએ એ ફોટોમાં ટ્રોફીના અપમાન જેવું કંઈ હતું જ નહીં. હું તો એ વિશે બહુ વિચારતો પણ નથી. દરેક જણ મને કહે છે કે મારા એ વર્તને સોશ્યલ મીડિયામાં વિવાદનો વિસ્ફોટ જગાવ્યો છે.’

શું તમે ફરી આવું કરશો? એવું ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવતાં તેણે ફટ દઈને કહ્યું હતું કે ‘સાચું કહું તો હું એવું વર્તન ફરી કરતાં નહીં અચકાઉં.’

australia world cup mitchell marsh david warner glenn maxwell cricket news sports news sports