ઘાટકોપર જૉલી જિમખાનાનો રેકૉર્ડ

21 March, 2023 12:45 PM IST  |  Mumbai | Ajay Motivala

પાંચમી વાર ‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ’ ટુર્નામેન્ટ જીતીને નવું કીર્તિમાન સ્થાપ્યું : પહેલી વાર ફાઇનલમાં પ્રવેશ કરનાર માહ્યાવંશી યોગેશ પટેલ-8 ટીમે રનર્સ-અપ ટ્રોફીથી સંતોષ માનવો પડ્યો : નિધિ દાવડા ત્રીજી વાર બની સુપરસ્ટાર

રેકૉર્ડ પાંચમી વાર ચૅમ્પિયન બનનાર ઘાટકોપર જૉલી જિમખાના ટીમ સાથે ટાઇટલ સ્પૉન્સર એમઆઇસીએલના મનન શાહ, ઍક્ટ્રેસ ભક્તિ રાઠોડ તથા ઘાટકોપર જૉલી જિમખાનાના ચૅરમૅન રજનીકાંતભાઈ શાહ અને મૅનેજિંગ કમિટી મેમ્બર્સ. ઘાટકોપર જૉલી જિમખાનાને ચૅમ્પિયન ટ્રોફી ઉપરાંત હેલ્થ પાર્ટનર આત્મયા, સ્ટાઇલ પાર્ટનર ઐશ્વર્યા અને પ્રાઇઝ સ્પૉન્સર મૅજિક મિરર-મિસ યુનિવર્સ તરફથી ગિફ્ટ હૅમ્પર તથા ગિફ્ટ વાઉચર આપવામાં આવ્યાં હતાં.

‘મિડ-ડે’ તથા ઘાટકોપર જૉલી જિમખાના દ્વારા સંયુક્ત રીતે આયોજિત મુંબઈના ગુજરાતી સમાજની મહિલા ક્રિકેટરોના વર્લ્ડ કપ જેવી ગણાતી ‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ’ની ૧૪મી ધમાકેદાર સીઝનમાં ઘાટકોપર જૉલી જિમખાનાની ટીમે પાંચમી વાર ચૅમ્પિયન બનીને આ ટુર્નામેન્ટમાં નવો વિક્રમ રચ્યો હતો. 

એક તરફ ઘાટકોપર જૉલી જિમખાનાએ નવમી વખત ફાઇનલમાં પહોંચીને નવો રેકૉર્ડ સ્થાપ્યો હતો, ત્યાં બીજી તરફ માહ્યાવંશી યોગેશ પટેલ-8 ટીમે પહેલી વખત આ સ્પર્ધાની ફાઇનલમાં પહોંચીને કમાલ કરી હતી. જોકે ફાઇનલમાં ઘાટકોપર જૉલી જિમખાનાનો પાંચમી વાર ડંકો વાગ્યો હતો. આ ટુર્નામેન્ટની યજમાન ટીમે ૬ વિકેટે ફાઇનલ જીતીને પાંચમી વખત ટ્રોફી જીતી લીધી હતી.

૨૦૨૦ પછી ફરી વિજેતાપદ

ચક દે બૉમ્બે રૉકર્સ ટીમ ૨૦૧૩માં, ૨૦૧૫માં, ૨૦૧૬માં અને ૨૦૧૯માં ‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ’માં ચૅમ્પિયન બની એ જ પ્રમાણે ઘાટકોપર જૉલી જિમખાનાએ અગાઉ ૨૦૧૪માં, ૨૦૧૭માં, ૨૦૧૮માં અને ૨૦૨૦માં ચૅમ્પિયનપદ હાંસલ કર્યું હતું. બન્ને ટીમ ચાર-ચાર વખત ટાઇટલ જીતી હોવાથી ઘાટકોપર જૉલી જિમખાનાને આ વખતે ફાઇનલમાં પહોંચ્યા બાદ પાંચમી વાર ચૅમ્પિયન બનીને નવો રેકૉર્ડ સ્થાપિત કરવાનો મોકો હતો જે એની ટીમે ઝડપી લીધો હતો.

૮ બૉલ બાકી રાખીને મેળવી જીત

વિદ્યાવિહાર-વેસ્ટના ધનાઢ્ય વિસ્તારમાં ફાતિમા હાઈ સ્કૂલની સામે આવેલા ઘાટકોપર જૉલી જિમખાનાના સુંદર મેદાન પર રવિવારે ક્વૉર્ટર ફાઇનલ અને સેમી ફાઇનલના રોમાંચક મુકાબલા બાદ બપોરે ૩.૦૦ વાગ્યે બન્ને અમ્પાયર્સનું બેઉ ફાઇનલિસ્ટ ટીમની પ્લેયર્સે માનભેર સ્વાગત કર્યું એની સાથે ફાઇનલનું બ્યૂગલ ફૂંકાયું હતું અને રોમાંચક મુકાબલાની શરૂઆત થઈ હતી. પહેલાં બૅટિંગ પસંદ કરનાર માહ્યાવંશી યોગેશ પટેલ-8 ટીમે નિર્ધારિત ૬ ઓવરમાં પાંચ વિકેટે ૭૧ રન બનાવ્યા હતા. એના જવાબમાં ૨૦૨૦ની સીઝન પછી ફરી ફાઇનલમાં પહોંચેલી ઘાટકોપર જૉલી જિમખાના ટીમે માત્ર ૪.૪ ઓવરમાં (૮ બૉલ બાકી રાખીને) ફક્ત એક વિકેટના ભોગે ૭૪ રન બનાવીને આસાનીથી વિજય મેળવી લીધો હતો.

નિધિ દાવડાને રેકૉર્ડ ત્રીજી વાર પ્લેયર ઑફ ધ સિરીઝનો અવૉર્ડ

ઘાટકોપર જૉલી જિમખાનાની વિકેટકીપર-બૅટર નિધિ દાવડા ‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ’માં ત્રીજી વાર ‘વુમન ઑફ ધ સિરીઝ’નો પુરસ્કાર જીતી છે. તે ૨૦૧૬માં તથા ૨૦૨૦ પછી હવે ૨૦૨૩માં આ પ્રતિષ્ઠિત અવૉર્ડ જીતી છે. બૉમ્બે રૉર્ક્સની કિંજલ અંબાસણા અને રાધિકા ઠક્કર તથા ઘાટકોપર જૉલી જિમખાનાની મનાલી રાવલ બે-બે વાર આ ટ્રોફી જીતી છે. નિધિ હવે આ બન્ને કરતાં આગળ નીકળી ગઈ છે.

આ પણ વાંચો: Mid-Day Ladies Cricket 2023, Season 14 : ઍક્શન અનલિમિટેડ, જુઓ તસવીરોમાં

દિયા સંઘવી છવાઈ ગઈ

માહ્યાવંશી ટીમની કૅપ્ટન શિવાની સવાણીએ ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી. ટીમની શરૂઆત શાંતિપૂર્ણ હતી અને એમાં વૈભવી રાજાની એ ઓવરના ચોથા જ બૉલમાં ઓપનર સોનલ જોધાવતની વિકેટ પડતાં ઘાટકોપર જૉલી જિમખાનાની ટીમની પ્લેયર્સમાં અનેરી ઊર્જા આવી ગઈ હતી. જોકે દિયા સંઘવીએ વનડાઉનમાં ક્રીઝ પર આવતાવેંત ફટકાબાજી કરીને માહ્યાવંશીની ટીમમાં નવચેતન ભરી દીધું હતું. પહેલી ઓવરના બાકીના બે બૉલમાં અને પછીની સાઇમા ઠાકુરની ઓવરમાં ઓપનર જયશ્રી ભુતિયા અને દિયાએ ચોક્કા-છગ્ગાની રમઝટ બોલાવીને સ્કોર ૩૦ ઉપર પહોંચાડી દીધો હતો. ફીલ્ડિંગ-ટીમની કૅપ્ટન મનાલી રાવલની ઓવર છગ્ગા સાથે શરૂ થઈ હતી, પરંતુ પછીના બૉલે મનાલીએ ડેન્જરસ ઓપનર જયશ્રીને સાઇમાના હાથમાં કૅચઆઉટ કરાવીને પ્રાઇઝ વિકેટ મેળવી લીધી હતી. જયશ્રીએ ૮ બૉલમાં બે સિક્સરની મદદથી ૧૭ રન બનાવ્યા હતા. તેની જગ્યાએ મોનલ વસાણી બૅટિંગમાં આવી હતી અને સામા છેડે દિયા બૉલને નવી દિશા બતાવતી રહી હતી અને તેણે ફટકાબાજી ચાલુ જ રાખી હતી. તેનો એક કૅચ ડ્રૉપ થતાં જીવતદાન સાથે રમી રહી હતી અને એ જ ઓવરમાં તુશી શાહ અને નંદિતા ત્રિવેદીના હાથે રનઆઉટ થયેલી મોનલે પણ દિયાનો સાથ છોડી દીધો અને થોડી વાર બાદ નંદિતાની ઓવરમાં ખુદ દિયા વિકેટકીપર નિધિ દાવડાને કૅચ આપી બેઠી હતી. દિયાએ ૧૩ બૉલમાં ચાર છગ્ગા અને બે ચોક્કાની મદદથી બહુમૂલ્ય ૩૬ રન બનાવ્યા હતા.

નંદિતાની છેલ્લી અસરદાર ઓવર

દિયાની વિકેટ પડ્યા બાદ માહ્યાવંશીની કોઈ બૅટર મોટું યોગદાન ન આપી શકી અને અધૂરામાં પૂરું, નંદિતા ત્રિવેદીએ ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં બન્ને બૅટર્સ પર સંપૂર્ણ અંકુશ જમાવ્યો હતો. માત્ર છેલ્લા બૉલમાં ભાવિકા મહેતાએ છગ્ગો ફટકારીને માહ્યાવંશીને ૭૧ રનનો સન્માનજનક સ્કોર અપાવ્યો હતો. ઘાટકોપર જૉલી જિમખાના વતી વૈભવી, મનાલી, નંદિતા અને માહી ઠક્કરે એક-એક વિકેટ લીધી હતી.

તુશી ગ્રેટ હો!

ઘાટકોપર જૉલી જિમખાના માટે ૭૨ રનનો લક્ષ્યાંક મુશ્કેલ નહોતો અને મુંબઈની જુનિયર મહિલા ક્રિકેટની જાણીતી ખેલાડી અને શહેરની અન્ડર-19 ગર્લ્સ ટીમની કૅપ્ટન તુશી શાહે ઇનિંગ્સની શરૂઆતથી જ ટાર્ગેટને વધુ ને વધુ સરળ બનાવવાની શરૂઆત કરી હતી. મારવાડી જૈન સમાજની તુશી અને વિધિ દાવડાની ઓપનિંગ જોડીએ દિયા સંઘવીની પહેલી જ ઓવરમાં કુલ ૧૧ રન બનાવીને જીતનો પાયો નાખવાની શરૂઆત કરી દીધી હતી. બીજી ઓવરમાં રનમશીન થોડું ફાસ્ટ થયું હતું અને બન્ને ઓપનર્સે ટીમ-સ્કોર બાવીસ પર પહોંચાડી દીધો હતો. ત્રીજી ઓવરમાં તુશીને તેમ જ વિધિને જીવતદાન મળ્યું હતું, પણ તેમની ફટકાબાજીથી ટીમ-સ્કોર ૪૨/૦ ઉપર પહોંચી જતાં ઘાટકોપર જૉલી જિમખાના માટે ટ્રોફી વધુ નજીક આવી ગઈ હતી. જયશ્રીની ચોથી ઓવરમાં તુશી-વિધિની આતશબાજી ચાલુ જ રહી હતી અને કુલ ૧૮ રન બનતાં સ્કોર ૬૦ ઉપર પહોંચી ગયો હતો. એક તબક્કે ૧૨ બૉલમાં માત્ર ૧૨ રનની જરૂર હતી. પાંચમી ઓવરમાં ટાર્ગેટ અચીવ થઈ જશે એવી પાકી ધારણા હતી અને એવામાં ઘાટકોપર જૉલી જિમખાનાએ વિધિની વિકેટ ગુમાવી દીધી, પણ નંદિતા ત્રિવેદીએ ક્રીઝ પર આવતાવેંત બે બૉલમાં બે છગ્ગા ફટકારીને તાબડતોબ ખેલ ખતમ કરી નાખ્યો હતો. ૭૨ રનના લક્ષ્યાંક સામે ૪.૪ ઓવરમાં એક વિકેટના ભોગે ૭૪ રન  બન્યા હતા. તુશી શાહ ૧૮ બૉલમાં ત્રણ જોરદાર સિક્સર અને ચાર ફોરની મદદથી બનેલા ૪૬ રને અણનમ રહી હતી અને નંદિતાના અણનમ ૧૨ રન બે સિક્સરમાં જ બની ગયા હતા. તુશી શાહને પ્લેયર ઑફ ધ ફાઇનલનો પુરસ્કાર મળ્યો હતો.

sports news sports cricket news ghatkopar gujarati mid-day