18 January, 2025 08:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈની ગુજરાતી જ્ઞાતિઓ માટે ‘મિડ-ડે’ દ્વારા દર વર્ષે યોજાતી ક્રિકેટ-સ્પર્ધાની ૧૭મી સીઝન ૨૧ ફેબ્રુઆરીથી શરૂ થશે. આ ભવ્ય ક્રિકેટ જલસા માટે દરેક જ્ઞાતિની ટીમને એન્ટ્રી મોકલવાનું આમંત્રણ છે. રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ પાંચ ફેબ્રુઆરી ૨૦૨૫ છે.
T20 ક્રિકેટની જેમ જ લેધરના બૉલથી રમાતી ૧૦-૧૦ ઓવરની આ એક્સાઇટિંગ ક્રિકેટ ઇવેન્ટે છેલ્લા દોઢ દાયકામાં મુંબઈના ગુજરાતીઓમાં અનેરું સ્થાન બનાવ્યું છે. આ સ્પર્ધા પાછી ક્યારે આવશે એની કાગડોળે રાહ જોવાતી હોય છે અને એ ઇંતેજાર હવે વહેલી તકે પૂરો થવામાં છે.
આ સ્પર્ધા છેલ્લાં ૬ વર્ષની જેમ આ વખતે પણ કાંદિવલી-વેસ્ટમાં આવેલા પોઇસર જિમખાના ગ્રાઉન્ડમાં રમાશે અને એમાં ભાગ લેવા માગતી દરેક જ્ઞાતિએ પોતાના સમાજની કેન્દ્રીય એટલે મુખ્ય સંસ્થાના લેટરહેડ પર પ્રમુખ અથવા સેક્રેટરીની સહી તથા કૉન્ટૅક્ટ-નંબર સાથે અરજી કરવાની હોય છે, જેથી એ જ જ્ઞાતિની એક કરતાં વધુ ટીમની એન્ટ્રી ન આવી જાય. અરજીમાં કૅપ્ટન કે કો-ઑર્ડિનેટરનો નંબર અચૂક લખવો. આ એન્ટ્રી gmdcricket10@gmail.com પર ઈ-મેઇલ કરવી અને સબ્જેક્ટમાં ‘મિડ-ડે કપ TEN10 2025’ અચૂક લખવું. વધુ વિગત માટે દિનેશ સાવલિયાનો ૯૮૨૦૨ ૨૯૮૯૬ નંબર પર સંપર્ક કરવો.
આ સ્પર્ધા લીગ-કમ-નૉકઆઉટ ધોરણે રમાશે અને દરેક ટીમને કમ સે કમ ત્રણ મૅચ રમવા મળશે. લીગ રાઉન્ડના અંતે દરેક ગ્રુપમાંથી બે ટીમ નેક્સ્ટ રાઉન્ડ અર્થાત્ પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં જશે. નૉક-આઉટ રાઉન્ડને વધુ એક્સાઇટિંગ બનાવવા માટેની વિચારણા થઈ રહી છે અને એ વિશે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.
આ સ્પર્ધા માટેના જે નિયમો છે એમાંનો મુખ્ય નિયમ એ છે કે એમાં વેસ્ટર્નમાં વિરાર સુધીના તથા સેન્ટ્રલમાં શહાડ તથા પનવેલ સુધીના ખેલાડીઓ જ હોવા જોઈશે. જોકે દરેક જ્ઞાતિ તેમની ટીમમાં એક ખેલાડી મુંબઈ એરિયાની લિમિટની બહારનો પણ સામેલ કરી શકે છે. જોકે એ ખેલાડી તેમની જ્ઞાતિનો જ હોવો જોઈશે.
આ સ્પર્ધા માટેની એન્ટ્રી-ફી ૨૫,૦૦૦ રૂપિયા છે. જેટલી એન્ટ્રી આવશે એમાંથી ટીમના સિલેક્શનમાં ‘મિડ-ડે’નો નિર્ણય ફાઇનલ ગણાશે.