03 December, 2024 09:55 AM IST | Perth | Gujarati Mid-day Correspondent
માઇકલ વૉન
ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર માઇકલ વૉને ભારતીય સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ વિશે એક કૉલમમાં જબરદસ્ત ખુલાસો કર્યો હતો. તેણે લખ્યું હતું કે ‘જમણા હાથના બૅટ્સમેનો સામે બુમરાહ અસરકારક છે અને આવી સ્થિતિમાં આપણે બને એટલા ડાબા હાથના બૅટ્સમેનોને બુમરાહની સામે રાખવા પડશે જેથી તેની એકાગ્રતામાં ખલેલ પહોંચે અને તેનો અન્ય બૅટ્સમેનો લાભ લઈ શકે. ૨૦૨૫ની બાવીસ જાન્યુઆરીથી આયોજિત T20 સિરીઝમાં બેન સ્ટોક્સ જેવા ડાબા હાથના બૅટરે નંબર ત્રણ પર રમવા આવવું જોઈએ. `
ડાબા-જમણા હાથના બૅટર્સ સામે કેવો રહ્યો છે બુમરાહનો રેકૉર્ડ?
જમણા હાથના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ૧૮૧ ટેસ્ટ વિકેટમાંથી સૌથી વધુ ૧૧૫ જમણા હાથના બૅટર્સને આઉટ કર્યા છે, જ્યારે ડાબા હાથના ૬૬ બૅટર્સ જ તેની સામે ફેલ રહ્યા છે. ૧૪૯ વન-ડે વિકેટમાંથી તેણે ૧૦૦ જમણા હાથના બૅટર્સ અને ૪૯ ડાબા હાથના બૅટર્સની વિકેટ ઝડપી છે, જ્યારે ૮૯ T20 ઇન્ટરનૅશનલ વિકેટમાંથી તેના નામે ૬૭ જમણા હાથના અને બાવીસ ડાબા હાથના બૅટર્સની વિકેટ છે. ટૂંકમાં બુમરાહ જમણા હાથના બૅટર્સ માટે વધુ પડકારરૂપ રહ્યો છે.