રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના બોલરોની ભૂતપૂર્વ ક્રિકેટરો દ્વારા ટીકા

31 March, 2024 09:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવા બોલિંગ-અટૅકથી ચૅમ્પિયન ન બનાય- માઇકલ વૉનને નથી લાગતું કે વિરાટની ટીમ આ વર્ષે પણ ટ્રોફી જીતી શકે, હરભજન સિંહ કહે છે કે તેઓ સારા બોલરોને સાચવતા નથી

વિરાટ કોહલી, ગૌતમ ગંભીર

શુક્રવાર સુધી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧‍૭મી સીઝનની નવેનવ મૅચમાં યજમાન ટીમનો જ રેકૉર્ડબ્રેક વિજય થયો, પણ શુક્રવારે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે  રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)ની ૭ વિકેટે હાર સાથે એ સિલસિલો અટક્યો હતો. વિરાટ કોહલીની ૮૩ રનની શાનદાર ઇનિંગ્સના જોરે KKRને ૧૮૩ રનનો ટાર્ગેટ તો આપ્યો, પણ RCBના બોલરો ફરી વામણા પુરવાર થયા હતા અને KKRએ બાવીસ બૉલ બાકી રાખીને સતત બીજી જીત મેળવી હતી. RCBની ત્રીજી મૅચમાં આ બીજી હાર હતી.

દર વર્ષે બૅન્ગલોરના કરોડો ચાહકો ટીમ IPL ચૅમ્પિયન બનશે એવી આશા રાખતા હોય છે અને દર વખતે તેમણે નિરાશ થવું પડે છે, પણ આ વર્ષે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)માં બૅન્ગલોરની ટીમ વિજેતા બનતાં ચાહકોને વિરાટ ઍન્ડ કંપની પાસેથી આશાઓ ખૂબ વધી ગઈ છે. જોકે પ્રથમ ત્રણ મૅચમાં ટીમના હાલહવાલ જોતાં ચાહકોએ આ વર્ષે પણ નિરાશ થવું પડશે એવું લાગી રહ્યું છે. ભૂતપૂર્વ ખેલાડીઓ પણ બોલરોની ભારે ટીકા કરી રહ્યા છે. ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ વૉને બૅન્ગલોરની હાર બાદ ટ્વીટ કર્યું હતું કે આ બૉલિંગ-અટૅક સાથે RCB માટે IPL જીતવી અશક્ય છે. ઇરફાન પઠાણ પણ વૉન સાથે સહમત થયો હતો અને બેન્ગલુરુએ તેમની બોલિંગ-અટૅકની ખામીઓ વિશે વિચારણા કરવા પર ભાર આપ્યો હતો.

બૅન્ગલોરના બે વર્લ્ડક્લાસ બોલરો મોહમ્મદ સિરાજ (૩ ઓવરમાં ૪૬) અને અલ્ઝારી જોસેફ (બે ઓવરમાં ૩૪ રન) તેમ જ યશ દયાલની ૪ ઓવરમાં ૪૬ રનની લહાણી વિશે હરભજન સિંહે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ‘બોલરો ક્યાં છે? બૅન્ગલોર પાસે કોઈ સારા બોલર છે જ નહીં. મને લાગે છે કે બોલિંગ-અટૅક તેમનો સૌથી મોટો ચિંતાનો વિષય છે. તેમણે યુઝવેન્દ્ર ચહલ સાથે શું કર્યું? તે તેમનો બેસ્ટ બોલર હતો, પણ ટીમમાં જાળવ્યો નહીં. તે આ ફૉર્મેટનો એક બેસ્ટ બોલરમાંનો એક છે. તમે સારા બોલરોને છૂટા કરીને મૅચ જીતી ન શકો. તેમની પાસે હર્ષલ પટેલ અને વનિન્દુ હસરંગા પણ હતા, તેમને પણ જવા દીધા. આજે બેન્ગલુરુ પાસે મોહમ્મદ સિરાજ એકમાત્ર મૅચ-વિનર બોલર છે, પણ હાલમાં તે પણ સ્ટ્રગલ કરી રહ્યો છે.’

ભજ્જીએ ખેલાડીઓને સપોર્ટ ન કરવાની બૅન્ગલોરની નીતિની પણ ટીકા કરી હતી અને કહ્યું હતું કે ‘તેઓ ખેલાડીઓને પૂરતો સપોર્ટ નથી કરતા. તેઓ શિવમ દુબે પાસે બેસ્ટ પર્ફોર્મન્સ ન કરાવી શક્યા, જે આજે ચેન્નઈનો સ્ટાર પર્ફોર્મર છે અને ગઈ સીઝનમાં ચેન્નઈને ચૅમ્પિયન બનાવવામાં મહત્ત્વનો રોલ ભજવ્યો હતો. તમે શિવમ દુબે જેવા ખેલાડીને પાંચમા કે છઠ્ઠા નંબરે મોકલો તો તે નિષ્ફળ જ જાય. ચેન્નઈ જેવી રીતે ખેલાડીને સપોર્ટ કરે છે એવું બેન્ગલુરુ નથી કરતું.’ 

શુક્રવારે બૅન્ગલોર અને કલકત્તાની મૅચમાં સ્ટ્રૅટેજિક ટાઇમ-આઉટ દરમ્યાન એક દૃશ્યએ ચાહકોને સુખદ આંચકો આપ્યો હતો. મેદાનમાં અવારનવાર બાખડી પડતા વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર હસતાં-હસતાં ગળે મળ્યા હતા અને થોડો સમય વાતચીત પણ કરી હતી. દિલ જીતનારું આ દૃશ્ય સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થયું હતું. કૉમેન્ટરી આપી રહેલા રવિ શાસ્ત્રીએ આ દૃશ્ય બાદ મજાકમાં કહ્યું હતું, ‘વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરને ગળે મળવા બદલ ફેરપ્લે અવૉર્ડ આપવો જોઈએ...’ શાસ્ત્રીની આ કમેન્ટ બાદ સુનીલ ગાવસકર પણ પોતાને રોકી નહોતા શક્યા. તેમણે કહ્યું કે ‘ફક્ત ફેરપ્લે અવૉર્ડ નહીં, ઑસ્કર અવૉર્ડ પણ આપવો જોઈએ.’

હવે તૈયાર થઈ જાઓ રિન્કુના વિરાટ પર્ફોર્મન્સ માટે
રિન્કુ સિંહ છેલ્લાં બે વર્ષથી IPLમાં મેદાન ગજવીને ભારતીય ટીમમાં પહોંચી ગયો છે, પણ હવે તેનો વધુ ધમાકેદાર પર્ફોર્મન્સ જોવા મળી શકે છે, કેમ કે વિરાટ કોહલીનું બૅટ તેની પાસે આવી ગયું છે. શુક્રવારે વિરાટ મેદાનમાં ૮૩ રનની અફલાતૂન ઇનિંગ્સ રમ્યો હતો અને મૅચ બાદ મેદાનની બહાર પણ તેણે ચાહકોનાં દિલ જીતી લીધાં હતાં. મૅચ બાદ ડ્રેસિંગ રૂમમાં વિરાટ રિન્કુ સિંહને મળ્યો હતો અને તેનું એક બૅટ તેને ગિફ્ટ આપીને ગળે મળ્યો હતો.

sports news sports cricket news royal challengers bangalore kolkata knight riders