બોલર કંઈ વિલન ન કહેવાય, નૉન-સ્ટ્રાઇકરે જ નિયમ તોડ્યો કહેવાય : એમસીસી

25 February, 2023 11:23 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૨૦૧૯ની આઇપીએલમાં પંજાબના કૅપ્ટન આર. અશ્વિને એક મૅચમાં બૉલ ફેંકતાં પહેલાં રાજસ્થાનનો બૅટર જૉસ બટલર નૉન-સ્ટ્રાઇક એન્ડ પરની ક્રીઝની બહાર નીકળી ગયો ત્યારે અશ્વિને તેને રનઆઉટ કરી દેતાં મોટો વિવાદ થયો હતો

અશ્વિને એક મૅચમાં બૉલ ફેંકતાં પહેલાં રાજસ્થાનનો બૅટર જૉસ બટલર નૉન-સ્ટ્રાઇક એન્ડ પરની ક્રીઝની બહાર નીકળી ગયો ત્યારે અશ્વિને તેને રનઆઉટ કરી દેતાં મોટો વિવાદ થયો હતો અને એમસીસીએ ખાસ તો એ ઘટના પછી જ નિયમ બદલવાની શરૂઆત કરવી પડી હતી.

બોલર બૉલ ફેંકે એ પહેલાં જ જો નૉન-સ્ટ્રાઇક પરના બૅટરે ક્રીઝ છોડી દીધી હોય અને જો એ બોલર તેને રનઆઉટ કરી દે તો એમાં બોલરે કંઈ ખોટું કર્યું ન કહેવાય અને નૉન-સ્ટ્રાઇકરે જ નિયમ તોડ્યો કહેવાય, એવું ક્રિકેટના કાયદા ઘડતી ઇંગ્લૅન્ડની મૅરિલબૉન ક્રિકેટ ક્લબ (એમસીસી)ની વર્લ્ડ ક્રિકેટ કમિટી (ડબ્લ્યુસીસી)એ ગઈ કાલે ઠરાવ્યું હતું. આ નિષ્કર્ષ પર આવનાર કમિટીમાં માઇક ગૅટિંગ તેમ જ સૌરવ ગાંગુલી, કુમાર સંગકારા, જસ્ટિન લૅન્ગર, ઍલિસ્ટર કુકનો સમાવેશ હતો.

આવા પ્રકારની વિકેટ હવેથી ‘અનફેર પ્લે’ નહીં, પણ ‘રનઆઉટ’ ગણાશે એવો એમસીસીએ નિયમ બનાવી દીધો હોવા છતાં કેટલાક ભૂતપૂર્વ ક્રિકેટર્સ હજી એવું માને છે કે બોલર કોઈ બૅટરને આ રીતે આઉટ કરે તો એ ક્રિકેટની ભાવનાની વિરુદ્ધ કહેવાય. તેમના આ મંતવ્યને પગલે એમસીસી વતી કુમાર સંગકારાએ કહ્યું કે ‘બૉલ ફેંકતાં પહેલાં જ જો નૉન-સ્ટ્રાઇક એન્ડ પરથી બૅટર ક્રીઝ છોડી દે અને બોલર તેને રનઆઉટ કરી દે તો બોલર કંઈ વિલન નથી બની જતો. બૅટરે બૉલ ફેંકાય ત્યાં સુધી ક્રીઝમાં રહેવું કે નહીં એ તેણે નક્કી કરવાનું હોય. બૅટર જો ક્રીઝ વહેલી છોડી દે તો તેણે જ નિયમનો ભંગ કર્યો કહેવાય.’

આ પણ વાંચો:  ડેવિડ વૉર્નર દિલ્હી કૅપિટલ્સનો કૅપ્ટન

આવા પ્રકારનો રનઆઉટ ‘માંકડેડ’ તરીકે ઓળખાય છે. ભારતના મહાન ક્રિકેટર વિનુ માંકડ આવા પ્રકારે નૉન-સ્ટ્રાઇક બૅટરને રનઆઉટ કરનાર વિશ્વના પહેલા ખેલાડી હતા એટલે તેમના નામે આ વિકેટ ઓળખાય છે. ૨૦૧૯ની આઇપીએલમાં પંજાબના કૅપ્ટન આર. અશ્વિને એક મૅચમાં બૉલ ફેંકતાં પહેલાં રાજસ્થાનનો બૅટર જૉસ બટલર નૉન-સ્ટ્રાઇક એન્ડ પરની ક્રીઝની બહાર નીકળી ગયો ત્યારે અશ્વિને તેને રનઆઉટ કરી દેતાં મોટો વિવાદ થયો હતો અને એમસીસીએ ખાસ તો એ ઘટના પછી જ નિયમ બદલવાની શરૂઆત કરવી પડી હતી.

sports news sports cricket news test cricket t20 international indian cricket team