મયંક યાદવ ભારતનો નવો ‘સ્પીડ કિંગ`

01 April, 2024 08:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કરોડપતિ બોલરો જે ન કરી શક્યા એ લખપતિ બોલરે કરી બતાવ્યું

મયંક યાદવ

દિલ્હીમાં જન્મેલા ૨૧ વર્ષના બોલર મયંક યાદવે શનિવારે પંજાબ કિંગ્સના બૅટરોને સતત ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે બૉલ ફેંકીને પરેશાન કર્યા હતા. તેણે જૉની બેરસ્ટો, પ્રભસિમરન સિંહ અને જિતેશ શર્મા જેવા અનુભવી બૅટરોની વિકેટ લઈને તેની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની શરૂઆત યાદગાર બનાવી દીધી હતી. મિચેલ સ્ટાર્ક અને પૅટ કમિન્સ જેવા કરોડપતિ ખેલાડીઓ જે ન કરી શક્યા એ લખનઉ સુપર જાયન્ટ્સના ૨૦ લાખના બોલર મયંક યાદવે કરી બતાવ્યું હતું. તેણે ૧૫૫.૮ કિલોમીટરની ગતિથી પણ બૉલ ફેંક્યો જે વર્તમાન સીઝનનો સૌથી ઝડપી અને IPLના ઇતિહાસનો પાંચમો સૌથી ઝડપી બૉલ હતો. 

લખનઉએ પ્રથમ બૅટિંગ કરીને ૮ વિકેટ ગુમાવીને ૨૦૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જૉની બેરસ્ટો અને શિખર ધવને ૧૦૨ રનની પાર્ટનરશિપ કરી, પણ લખનઉના બોલર્સના દમદાર પ્રદર્શનને કારણે પંજાબ ૨૦ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૧૭૮ રન બનાવી શક્યું હતું. મયંક યાદવે ૪ ઓવરમાં ૨૭ રન આપીને ૩ વિકેટ લઈને પોતાના IPL ડેબ્યુને સ્પેશ્યલ બનાવ્યું હતું. 

મૅચ બાદ પ્રેસ-કૉન્ફરન્સમાં મયંકે કહ્યું કે ‘ક્રિકેટ સિવાય સામાન્ય જીવનમાં પણ મને એવી વસ્તુઓ ગમે છે જેની સ્પીડ વધુ હોય. રૉકેટ, ઍરોપ્લેન કે સુપરબાઇક હોય, સ્પીડ મને ઉત્તેજિત કરે છે. બાળપણમાં મને જેટ વિમાન પસંદ હતાં અને હું એનાથી પ્રેરિત હતો. મેં અગાઉ ક્યારેય ૧૫૬ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બૉલ ફેંક્યો નથી. મેં સૈયદ મુશ્તાક અલી T20 ટુર્નામેન્ટ દરમ્યાન ૧૫૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બૉલ ફેંક્યો હતો અને એ મારો સૌથી ઝડપી બૉલ હતો. સ્નાયુઓના ખેંચાણને કારણે હું ગયા વર્ષે આખી સીઝનમાંથી આઉટ થઈ ગયો હતો.’

IPLના ઇતિહાસમાં સૌથી ઝડપી બૉલ ફેંકનાર બોલર

બોલર

ઝડપ

શૉન ટેઇટ

૧૫૭.૭૧ કિલોમીટર

લૉકી ફર્ગ્યુસન

૧૫૭.૩ કિલોમીટર

ઉમરાન મલિક

૧૫૭ કિલોમીટર

ઍન્રિક નૉર્ખિયા

૧૫૬.૨ કિલોમીટર

મયંક યાદવ

૧૫૫.૮ કિલોમીટર

sports sports news IPL 2024