30 October, 2024 08:48 AM IST | Australia | Gujarati Mid-day Correspondent
મૅથ્યુ વેડ
૨૦૨૪માં સ્ટાર ક્રિકેટર્સની નિવૃત્તિનો સિલસિલો યથાવત્ છે. ઑસ્ટ્રેલિયાના ૩૬ વર્ષના વિકેટકીપર-બૅટર મૅથ્યુ વેડે ગઈ કાલે રિટાયરમેન્ટની જાહેરાત કરી હતી. ૧૬ વર્ષની ઉંમરે અંડકોષના કૅન્સરની ગંભીર બીમારીનો સામનો કરનાર મૅથ્યુ શરૂઆતના દિવસોમાં પ્લમ્બર અને કાર્પેન્ટરની નોકરી પણ કરી ચૂક્યો છે. તે કલરબ્લાઇન્ડ છે છતાં તે અનેક વાર ટીમ માટે શાનદાર ઇનિંગ્સ રમ્યો હતો. તેણે ૧૩ વર્ષની કરીઅરમાં પાંચ સેન્ચુરી અને ૧૯ ફિફ્ટી ફટકારી છે.
છેલ્લે તે T20 વર્લ્ડ કપ 2024 દરમ્યાન વેસ્ટ ઇન્ડીઝ સામે ઇન્ટરનૅશનલ મૅચ રમ્યો હતો. રિટાયરમેન્ટ બાદ પણ તે ઑસ્ટ્રેલિયન ટીમથી દૂર નહીં થાય. પાકિસ્તાન સામેની આગામી સિરીઝથી તે લિમિટેડ ઓવર્સના ફૉર્મેટમાં ઑસ્ટ્રેલિયાની ટીમને કોચિંગ આપતો જોવા મળશે. ૨૦૧૧માં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ડેબ્યુ કરનાર મૅથ્યુ ટૅસ્મૅનિયા માટે ડોમેસ્ટિક ક્રિકેટ અને હોબાર્ટ હરિકૅન્સ માટે બિગ બૅશ લીગ રમતો રહેશે. ઑસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડે તેની ઉત્તમ કરીઅર બદલ અભિનંદન પાઠવીને આવતી પેઢીના ક્રિકેટરો તૈયાર કરવાના તેના નિર્ણય માટે ખુશી વ્યક્ત કરી હતી.