સારા કૅપ્ટન માટે કૅપ્ટન કૂલ ધોનીએ આપ્યો ‘ગુરુમંત્ર’

11 February, 2024 09:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહેન્દ્ર સિંહ ધોનીની વાત કરીએ તો તે વિશ્વના સૌથી સફળ સુકાનીઓમાંનો એક છે.

મહેન્દ્ર સિંહ ધોની

ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ સુકાની અને કૅપ્ટન કૂલ તરીકે ઓળખાતા મહેન્દ્ર સિંહ ધોનીએ સુકાની તરીકે એક ખાસ ગુરુમંત્ર આપ્યો છે. તેણે કહ્યું કે એક લીડર કેવો હોવો જોઈએ અને કઈ રીતે તે ટીમના ખેલાડીઓ પાસેથી સન્માન મેળવી શકે છે. ધોનીએ જણાવ્યું કે લીડરે માત્ર કહેવાનું નથી હોતું, કરીને બતાવવું પડે છે. જો તે કરી બતાવશે તો તેને વધુ સન્માન મળશે.

મહેન્દ્ર સિંહ ધોનીની વાત કરીએ તો તે વિશ્વના સૌથી સફળ સુકાનીઓમાંનો એક છે. તેની કૅપ્ટનશિપમાં ભારતીય ટીમ આઇસીસીની ત્રણેય ટ્રોફી જીતી છે. ભારતીય ટીમ સૌથી પહેલાં ધોનીની કૅપ્ટનશિપમાં ૨૦૦૭માં આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપનું ટાઇટલ જીતી હતી. ત્યાર બાદ ૨૦૧૧માં આઇસીસી વન-ડે વર્લ્ડ કપ જીતી હતી અને ત્યાર બાદ ૨૦૧૩માં આઇસીસી ચૅમ્પિયન્સ ટ્રોફીનું ટાઇટલ પણ જી‌તી હતી. તે આઇસીસીની ત્રણેય ટ્રોફી જીતનાર એકમાત્ર સુકાની છે. તેને બાદ કરતાં ચેન્નઈ સુપર કિંગ્સને પાંચ વાર આઇપીએલની ટ્રોફી પણ જિતાડી આપી છે.
તો જ માન મળશે...

સુકાનીની વાત આવે છે ત્યારે હંમેશાં ધોનીનું ઉદાહરણ આપવામાં આવે છે. ધોનીના જણાવ્યા પ્રમાણે લીડરે કહીને નહીં, પણ કરીને બતાવવાનું હોય છે. તેણે એક ઇવેન્ટમાં લીડરના પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું કે ‘તમે શું બોલો છો એનાથી કોઈ ફરક નથી પડવાનો, તમે શું કરી બતાવો છો એનાથી ઘણો ફરક પડે છે. તમે ભલે કાંઈ બોલો નહીં, પણ તમારું કામ તમને ઇજ્જત-સન્માન આપી શકે છે. મારું હંમેશાં એ જ માનવું રહ્યું છે કે એક લીડર તરીકે આ પ્રકારનું સન્માન મેળવવું જરૂરી છે, પણ એ કોઈ રૅન્ક મેળવીને કે કોઈ પદ મેળવીને નથી મળતું. એ સન્માન-ઇજ્જત તો તમારા કામથી મળે છે.’

ms dhoni mahendra singh dhoni sports news sports cricket news