ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વાર એક T20 મૅચમાં રમાઈ ત્રણ સુપર ઓવર

25 August, 2024 08:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રોમાંચક મૅચમાં મયંક અગ્રવાલની ટીમ સામે મનીષ પાંડેની ટીમે બાજી મારી

પ્રતીકાત્મક તસવીર

કર્ણાટક ક્રિકેટ બોર્ડ દ્વારા આયોજિત મહારાજા T20 ટ્રોફી નામની ડોમેસ્ટિક લીગમાં હાલમાં એવી ઘટના બની જેણે આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. ક્રિકેટના મેદાન પર પહેલી વાર એક T20 મૅચમાં એક નહીં, બે નહીં પણ કુલ ત્રણ સુપર ઓવરનો રોમાંચ જોવા મળ્યો હતો જેમાં  અંતે મયંક અગ્રવાલની બેન્ગલુરુ બ્લાસ્ટર્સ સામે મનીષ પાંડેની હુબલી ટાઇગર્સ ટીમે યાદગાર જીત મેળવી હતી. 
હુબલી ટાઇગર્સ ટીમ ૨૦ ઓવરમાં ૧૬૪ રન બનાવી ઑલઆઉટ થઈ હતી. ટાર્ગેટ ચેઝ કરવા ઊતરેલી બેન્ગલુરુ બ્લાસ્ટર્સની આખી ટીમ પણ ૨૦ ઓવરમાં ૧૬૪ રન બનાવીને ધ્વસ્ત થઈ હતી. મૅચનું રિઝલ્ટ નક્કી કરવા જે પહેલી સુપર ઓવર રમાઈ એમાં બન્ને ટીમે ૧૦-૧૦ રન બનાવ્યા, બીજી સુપર ઓવરમાં પણ ૮-૮ રન પર સ્કોર બરાબર થતાં ત્રીજી સુપર ઓવર રમવી પડી હતી જેમાં બેન્ગલુરુ બ્લાસ્ટર્સે ૧ વિકેટે ૧૨ રન બનાવ્યા હતા. હુબલી ટાઇગર્સે ૧૩ રન બનાવીને મૅચ જીતી લીધી હતી.

૨૦૨૨થી છ ટીમો વચ્ચે રમાતી આ ડોમેસ્ટિક લીગને અદ્ભુત કારનામાને કારણે વર્ષો સુધી યાદ રાખવામાં આવશે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પછી કર્ણાટક સ્ટેટ ક્રિકેટ અસોસિએશને ૨૦૦૯ના ઑગસ્ટમાં કર્ણાટક પ્રીમિયર લીગ શરૂ કરી હતી જે સટ્ટાબાજી અને મૅચ-ફિક્સિંગને કારણે ૨૦૨૨માં બંધ કરવી પડી અને એનું સ્થાન આ મહારાજા T20 ટ્રોફીએ લીધું હતું. 

sports news sports cricket news karnataka mayank agarwal manish pandey