15 April, 2023 02:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિખર ધવન
પંજાબ કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે હજી સુધી એક જ મૅચ રમાઈ છે અને આજે તેમની વચ્ચે બીજો મુકાબલો છે જે જીતીને પંજાબને સાટું વાળવાનો મોકો છે, કારણ કે ગયા વર્ષે પુણેમાં કે. એલ. રાહુલના નેતૃત્વમાં લખનઉની ટીમે પંજાબને ૨૦ રનથી હરાવીને પ્લે-ઑફમાં પહોંચવા માટેનો દાવો મજબૂત કર્યો હતો.
પંજાબની ટીમને મજબૂત કરવા ઇંગ્લૅન્ડનો ઑલરાઉન્ડર લિઆમ લિવિંગસ્ટન લખનઉ પહોંચી તો ગયો છે, પણ પ્રૅક્ટિસ દરમ્યાન તેના સ્નાયુઓ ખેંચાઈ ગયા હોવાથી આજની મૅચમાં મોટા ભાગે નહીં રમે. લિવિંગસ્ટન ઘૂંટણ અને પગની ઘૂંટીની ઈજામાંથી હજી થોડા દિવસ પહેલાં જ મુક્ત થયો અને ઘણી રાહ જોયા બાદ ઇંગ્લિશ ક્રિકેટ બોર્ડ પાસેથી નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ મેળવીને ભારત આવ્યો છે, પણ તેને આવતાવેંત નજીવી ઈજા નડતાં તેના કમબૅકમાં થોડી અડચણ આવી છે.
શિખર પર બૅટિંગનો બધો બોજ
પંજાબની ટીમે નબળી બૅટિંગને કારણે છેક છઠ્ઠા નંબરે ધકેલાવું પડ્યું છે. આ ખામીનો ઉકેલ પંજાબે લાવવો જ પડશે. બીજી રીતે કહીએ તો કૅપ્ટન શિખર ધવન પર જ બધો બોજ રહે એને બદલે બીજા બૅટર્સે પણ લાંબી ઇનિંગ્સ રમવી પડશે. ઓપનર પ્રભસિમરન સિંહ થોડી મૅચથી ફ્લૉપ જઈ રહ્યો છે, જ્યારે ૧૮.૫૦ કરોડ રૂપિયાવાળો સૌથી મોંઘો ખેલાડી સૅમ કરૅન તેમ જ રાજાપક્સા અને જિતેશ શર્મા પણ સાધારણ બૅટિંગ કરી રહ્યા છે. ગુરુવારે ઘરઆંગણે (મોહાલીમાં) તેમણે નબળી બૅટિંગને કારણે જ ગુજરાત ટાઇટન્સ સામે પરાજય જોવો પડ્યો હતો. પંજાબે ખાસ કરીને મિડલ ઓવર્સ (૧૦થી ૧૫) દરમ્યાન રનમીટરને વેગ આપવો પડશે.
પંજાબ પૂરન-સ્ટૉઇનિસથી સંભાળે
લખનઉની ટીમના બે બૅટર્સ નિકોલસ પૂરન અને માર્કસ સ્ટૉઇનિસ તાજેતરમાં બૅન્ગલોર સામે માત્ર ૪૯ બૉલમાં ૧૨૭ રનની ભાગીદારી કરીને જબરદસ્ત જોશમાં છે એટલે પંજાબના બોલર્સે તેમને કાબૂમાં રાખવા પડશે.