22 March, 2023 12:32 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
એશિયા લાયન્સ ટીમ
નિવૃત્ત ક્રિકેટરો વચ્ચેની લેજન્ડ્સ લીગ ક્રિકેટ (એલએલસી) ટી૨૦ ટુર્નામેન્ટમાં સોમવારે એશિયા લાયન્સ ટીમે ટાઇટલ જીતી લીધું હતું. કતારના દોહામાં શેન વૉટ્સનની કૅપ્ટન્સીમાં રમનાર વર્લ્ડ જાયન્ટ્સે ૧૪૮ રનનો જે લક્ષ્યાંક આપ્યો એ શાહિદ આફ્રિદીના સુકાનમાં એશિયા લાયન્સે ૨૩ બૉલ બાકી રાખીને અને ત્રણ જ વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. ઓપનર્સ ઉપુલ થરંગા (૫૭ રન, ૨૮ બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર) અને તિલકરત્ને દિલશાન (૫૮ રન, ૪૨ બૉલ, આઠ ફોર)ની જોડીએ ૧૧૫ રનની ભાગીદારીથી જીતનો પાયો નાખ્યો હતો. તેમની વિકેટ પડ્યા બાદ મોહમ્મદ હફીઝ (૯ અણનમ) અને મિસબાહ-ઉલ-હકે (૯ અણનમ) એશિયા લાયન્સને જીત અપાવી હતી. વર્લ્ડ જાયન્ટ્સના સમિત પટેલ, બ્રેટ લી અને મૉન્ટી પનેસરે એક-એક વિકેટ લીધી હતી.
કૅલિસના અણનમ ૭૮ રન પાણીમાં
એ પહેલાં અબ્દુર રઝાક (૧૪ રનમાં બે વિકેટ)ની અસરદાર બોલિંગને લીધે વર્લ્ડ જાયન્ટ્સની ટીમ ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૪૭ રન બનાવી શકી હતી, જેમાં જૅક કૅલિસ (૭૮ અણનમ, ૫૪ બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. રૉસ ટેલરે ૩૩ બૉલમાં ૩૨ રન બનાવ્યા હતા.
રઝાક, થરંગાને મળ્યો અવૉર્ડ
અબ્દુર રઝાકને મૅન ઑફ ધ ફાઇનલનો અવૉર્ડ મળ્યો હતો. ટુર્નામેન્ટમાં તેણે ત્રણ હાફ સેન્ચુરીની મદદથી હાઇએસ્ટ ૨૨૧ રન બનાવ્યા હતા. સ્પર્ધાની ત્રીજી ટીમ ઇન્ડિયા મહારાજાઝનો કૅપ્ટન ગૌતમ ગંભીર ૨૧૫ રન સાથે બૅટર્સમાં બીજા નંબરે હતો. સોહેલ તનવીરની ૭ વિકેટ સ્પર્ધામાં સૌથી વધુ હતી.
મોહમ્મદ કૈફે થરંગાનો અદ્ભુત સિંગલ-હૅન્ડેડ ડાઇવિંગ કૅચ પકડ્યો
લેજન્ડ્સ લીગ ક્રિકેટ (એલએલસી)માં ઇન્ડિયા મહારાજાઝ ટીમ ત્રીજા નંબરે રહી હતી, પરંતુ એનો ખેલાડી મોહમ્મદ કૈફ સ્પર્ધાનો બેસ્ટ ફીલ્ડર હતો. ભારતના એક સમયના બેસ્ટ ફીલ્ડર કૈફે એલએલસીમાં પાંચ મૅચમાં ૬ કૅચ પકડ્યા હતા જે તમામ ફીલ્ડર્સમાં હાઇએસ્ટ હતા. થિસારા પરેરા ચાર કૅચ સાથે બીજા નંબરે અને ઍરોન ફિન્ચ ત્રણ કૅચ સાથે ત્રીજા સ્થાને હતો. કૈફે શનિવારે એશિયા લાયન્સના ઓપનર ઉપુલ થરંગાનો પ્રજ્ઞાન ઓઝાના બૉલમાં એક્સ્ટ્રા કવર પર ફુલ લેન્ગ્થમાં ડાઇવ મારીને એક હાથે અદ્ભુત કૅચ પકડ્યો હતો. ઇન્ડિયા મહારાજાઝ ટીમના કૅપ્ટન ગૌતમ ગંભીર સહિત તમામ ૧૦ ખેલાડીઓ કૈફને શાબાશી આપવા દોડી આવ્યા હતા. વન-હૅન્ડેડ કૅચ પકડવા માટે જાણીતા કૈફે એ દિવસે મોહમ્મદ હફીઝ અને થિસારા પરેરાનો કૅચ પણ પકડ્યો હતો.