07 October, 2022 11:52 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
લેજન્ડ્સ લીગમાં ગંભીરની ટીમ ચૅમ્પિયન
ગૌતમ ગંભીરના સુકાનમાં ઇન્ડિયા કૅપિટલ્સ ટીમે બુધવારે જયપુરમાં ફાઇનલમાં ઇરફાન પઠાણની ભીલવાડા કિંગ્સને ૧૦૪ રનથી હરાવીને લેજન્ડ્સ લીગ ક્રિકેટ (એલએલસી)નું ચૅમ્પિયનપદ મેળવ્યું હતું. આ ટી૨૦ સ્પર્ધા મોટા ભાગે નિવૃત્ત ખેલાડીઓ તેમ જ પોતાની નૅશનલ ટીમમાં ઘણા સમયથી સ્થાન ન મેળવી શકતાં પ્લેયર્સ વચ્ચે રમાઈ હતી.
ઇન્ડિયા કૅપિટલ્સે બૅટિંગ મળ્યા પછી ૨૧ રનમાં ગંભીર, હૅમિલ્ટન માસાકાદ્ઝા, ડેનેશ રામદીન અને ડ્વેઇન સ્મિથની વિકેટ ગુમાવી હતી. જોકે રૉસ ટેલર (૮૨ રન, ૪૧ બૉલ, આઠ સિક્સર, ચાર ફોર) અને મિચલ જૉન્સન (૬૨ રન, ૩૫ બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર)ની જોડીએ વધુ ધબડકો રોક્યો હતો. તેમની વચ્ચે પાંચમી વિકેટ માટે ૧૨૬ રનની ભાગીદારી થઈ હતી. તેમણે ભીલવાડાના સાત બોલર્સ મૉન્ટી પનેસર, રાહુલ શર્મા, શ્રીસાન્ત, યુસુફ પઠાણ, ધમ્મિકા પ્રસાદ, ટિનો બેસ્ટ, ટિમ બ્રેસ્નનનો સમજદારીપૂર્વક સામનો કર્યો હતો અને ટીમનો સ્કોર ૧૫૦ની નજીક પહોંચાડી દીધો હતો. વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ઍશ્લી નર્સ (૧૯ બૉલમાં ૪૨ રન)નું પણ મહત્ત્વનું યોગદાન હતું. રાહુલ શર્માએ ચાર અને પનેસરે બે વિકેટ લીધી હતી.
ભીલવાડાના બૅટર્સ સદંતર ફ્લૉપ
ભીલવાડા કિંગ્સને ૨૧૨ રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જોકે એનો એકેય બૅટર ૩૦ રન પણ નહોતો બનાવી શક્યો. શેન વૉટ્સનના ૨૭ રન ટીમમાં હાઇએસ્ટ હતા. ઇન્ડિયા કૅપિટલ્સના પવન સુયલ, પંકજ સિંહ અને પ્રવીણ તામ્બેએ બે-બે વિકેટ લીધી હતી.
ટેલર અને યુસુફ પઠાણને અવૉર્ડ
બુધવારે ૪૧ બૉલમાં ૮૨ રન બનાવનાર કિવી રિટાયર્ડ બૅટર રૉસ ટેલરને મૅન ઑફ ધ ફાઇનલનો અને આખી ટુર્નામેન્ટમાં કુલ ૨૨૮ રન બનાવવા ઉપરાંત ૭ વિકેટ લેનાર અને ત્રણ કૅચ પકડનાર યુસુફ પઠાણને મૅન ઑફ ધ ટુર્નામેન્ટનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો. આ સ્પર્ધાની મૅચો જોવા મોટી સંખ્યામાં પ્રેક્ષકો આવ્યા હતા અને તેમણે પોતાના પ્રિય ખેલાડીઓને ફરી રમતા જોવાનો અવસર માણ્યો હતો.
પેટલાદના કારિયાના બાવીસ રન
ભીલવાડા કિંગ્સ ટીમનો ૩૨ વર્ષના સ્પિનિંગ-ઑલરાઉન્ડર જેસલ બાલીભાઈ કારિયા પેટલાદનો છે. ગુજરાત વતી ૧૩ ફર્સ્ટ-ક્લાસ મૅચ રમનાર જેસલે બુધવારે એક સિક્સર, ત્રણ ફોરની મદદથી બાવીસ રન બનાવ્યા હતા. લિઆમ પ્લન્કેટના બૉલમાં રૉસ ટેલરે કારિયાનો કૅચ પકડ્યો હતો. કારિયાએ આ ટુર્નામેન્ટમાં કુલ પાંચ વિકેટ લીધી હતી અને ચાર કૅચ પકડ્યા હતા.
ઘણા લોકો માનતા હતા કે નિવૃત્ત ખેલાડીઓ માત્ર ફરી રમવાની મોજ માણવા માટે જ મેદાનમાં ઊતરશે અને થોડા દિવસમાં ઘરભેગા થઈ જશે. જોકે એવું કાંઈ નહોતું. અમે બધા અસલ મિજાજમાં સંઘર્ષભરી સ્થિતિમાં રમ્યા. ચારેય ટીમ બહુ સારું રમી. મહિલા અમ્પાયરોને લીગમાં અમ્પાયરિંગ કરવાનો મોકો મળ્યો. રૉસ ટેલર અસાધારણ ફૉર્મમાં હતો. : ઇરફાન પઠાણ, (રનર-અપ ટીમનો કૅપ્ટન)
મને ભીલવાડા કિંગ્સ ટીમ સાથે રમવાની ખૂબ મજા પડી. ખાસ કરીને નાના ભાઈ ઇરફાન સાથે રમવાનું પણ મને ખૂબ ગમ્યું. અમે પહેલી વાર ફ્રૅન્ચાઇઝી લીગમાં એક જ ટીમ વતી રમ્યા હતા. : યુસુફ પઠાણ
મિચલ જૉન્સન અને યુસુફ પઠાણ વચ્ચે બુધવારે સુલેહ થઈ હતી. અગાઉની એક મૅચ દરમ્યાન જૉન્સને સ્લેજિંગ કરતાં બન્ને ખેલાડીઓ મારામારી સુધી આવી ગયા હતા.