KKRની મૅનેજમેન્ટ-ટીમ સાથે વાતચીતના અભાવને કારણે શ્રેયસ ઐયર મેગા ઑક્શનમાં ઊતર્યો હતો

23 January, 2025 08:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેગા ઑક્શનમાં ૨૬.૭૫ કરોડ રૂપિયાની મોટી રકમમાં પંજાબ કિંગ્સે ખરીદીને તેને કૅપ્ટન પણ બનાવી દીધો છે.

આકાશ ચોપડા

મુંબઈનો સ્ટાર ક્રિકેટર શ્રેયસ ઐયર કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ને IPL 2024માં ચૅમ્પિયન બનાવવા છતાં ટીમથી અલગ થઈને મેગા ઑક્શનમાં આવ્યો હતો. મેગા ઑક્શનમાં ૨૬.૭૫ કરોડ રૂપિયાની મોટી રકમમાં પંજાબ કિંગ્સે ખરીદીને તેને કૅપ્ટન પણ બનાવી દીધો છે.

આ વિશે વાત કરતાં ઐયર કહે છે, ‘KKR માટે ચૅમ્પિયનશિપ જીતવાનો મારો સમય ખૂબ જ સારો રહ્યો. ટીમનું ફૅન-ફૉલોઇંગ ઉત્કૃષ્ટ હતું, તેઓ સ્ટેડિયમમાં ઉત્સાહિત હતા અને મને ત્યાં વિતાવેલી દરેક ક્ષણ ખૂબ ગમતી હતી. શાહરુખ સર અને તેમની ફૅમિલી સાથે પણ ખૂબ જ સારો સમય વિતાવ્યો, પરંતુ રીટેન્શનની ચર્ચામાં કોઈ નક્કર પ્રયાસ કરવામાં આવ્યો નહોતો. હું મૂંઝવણમાં હતો કે શું થઈ રહ્યું છે. એથી વાતચીતના અભાવને કારણે અમે એવી પરિસ્થિતિમાં આવી ગયા જ્યાં અમે પરસ્પર અલગ થઈ ગયા અને મારે મેગા ઑક્શનમાં એન્ટ્રી કરવી પડી.’

ક્રિકેટર્સના ખરાબ સમયમાં સોશ્યલ મીડિયા પર થતા ટ્રોલિંગ વિશે વાત કરતાં શ્રેયસ કહે છે, ‘એ ખરેખર હેરાન કરે છે. ખાસ કરીને જ્યારે એવા લોકો તરફથી સલાહ આવે છે જેમણે ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાકની બોલિંગનો સામનો કર્યો નથી. તેઓ તમને કેટલીક ચોક્કસ રીતે રમવાની સલાહ આપે છે, પણ હું કહીશ કે આ તેમનો અભિપ્રાય છે. તેમને વાત કરવાનો સંપૂર્ણ અધિકાર છે, પરંતુ તેઓ એકબીજા સાથે વાત કરી શકે છે, સીધા પ્લેયર્સ સાથે નહીં કરવી જોઈએ.’

શ્રેયસ ઐયર ખોટું બોલી રહ્યો છે : આકાશ ચોપડા
ક્રિકેટરમાંથી કૉમેન્ટેટર બનેલા આકાશ ચોપડાએ શ્રેયસ ઐયરને ખોટાડો કહ્યો છે. શ્રેયસ IPLના રીટેન્શન વિશે ખોટું બોલી રહ્યો છે એમ જણાવતાં આકાશે કહ્યું હતું કે હું ખાતરી સાથે કહું છું કે KKR અને શ્રેયસ વચ્ચે રીટેન્શન બાબતે વાતચીત થઈ હતી, ઘણી બધી વાર થઈ હતી; જોકે બન્ને પક્ષે કોઈ સહમતી નહોતી સધાઈ.

sports news sports kolkata knight riders shreyas iyer indian cricket team cricket news