વર્લ્ડ કપની બાદબાકીનો વસવસો નથી, બોલિંગ સુધારી રહ્યો છું : કુલદીપ યાદવ

13 October, 2022 12:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્પિનિંગ-ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા પણ સર્જરીને લીધે વર્લ્ડ કપમાં નથી

કુલદીપ યાદવ

ઑસ્ટ્રેલિયામાં મોટા ભાગે ફાસ્ટ પિચો પર મૅચો રમાતી હોય છે અને રવિવારે શરૂ થનારા મેન્સ ટી૨૦ વર્લ્ડ કપ માટે તમામ દેશો ખાસ કરીને ફાસ્ટ બોલરોના સિલેક્શન પર સૌથી વધુ ધ્યાન આપી રહ્યા છે. ભારતની જ વાત કરીએ તો જસપ્રીત બુમરાહ ઈજાને લીધે અને હવે દીપક ચાહર પણ એ જ કારણસર વર્લ્ડ કપ ગુમાવશે એ સ્થિતિમાં મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ તથા શાર્દુલ ઠાકુરને ઑસ્ટ્રેલિયા મોકલવામાં આવી રહ્યા છે. સ્પિનિંગ-ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા પણ સર્જરીને લીધે વર્લ્ડ કપમાં નથી, પરંતુ ભારત પાસે કાબેલ સ્પિનરોની તંગી તો નથી જ, ઑસ્ટ્રેલિયામાં મોટા ભાગે ફાસ્ટ બોલર્સનું જ વર્ચસ રહેવાનું છે.

મંગળવારે ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામેના ૨-૧ના વિજય સાથે પૂરી થયેલી વન-ડે સિરીઝના સ્ટાર-સ્પિનર કુલદીપ યાદવ ત્રણ દિવસથી કેન્દ્રસ્થાને છે. મંગળવારની મૅચમાં મૅચ-વિનિંગ ૪ વિકેટ અને સિરીઝમાં સૌથી વધુ ૬ વિકેટ લેનાર કુલદીપે આઇ.એ.એન.એસ.ના અહેવાલ મુજબ ગઈ કાલે કહ્યું, ‘ટી૨૦ વર્લ્ડ કપ માટેની ટીમમાં મારું સિલેક્શન નથી થયું એનો મને અફસોસ નથી. હું અત્યારે એક પછી એક મૅચમાં મારો પર્ફોર્મન્સ સુધારવા પર બધું ધ્યાન આપું છું. આઇપીએલ પછી મારો આત્મવિશ્વાસ ઘણો વધુ ગયો છે. વેસ્ટ ઇન્ડીઝમાં અને ઝિમ્બાબ્વેમાં પણ હું સારું રમ્યો હતો અને તાજેતરમાં ઇન્ડિયા ‘એ’ વતી પણ ક્લિક થયો હતો. મેં ઈજા બાદ રિધમ પાછું મેળવવા પર પણ ઘણું ધ્યાન આપ્યું છે.’

કુલદીપે ૨૦૨૧ની આઇપીએલના પાછલા ભાગની મૅચો ઘૂંટણની ઈજાને કારણે ગુમાવવી પડી હતી. તેણે સર્જરી કરાવી હતી. ૨૦૨૨ની આઇપીએલમાં તેણે દિલ્હી કૅપિટલ્સ વતી ૨૧ વિકેટ લીધી હતી.

188
કુલદીપ યાદવે ૧૦૦ જેટલી ઇન્ટરનૅશનલ મૅચમાં કુલ આટલી વિકેટ લીધી છે. તેનો એક સમયનો સાથી-સ્પિનર યુઝવેન્દ્ર ચહલ તેમ જ આર. અ​શ્વિન અને અક્ષર પટેલ વર્લ્ડ કપની ટીમમાં સામેલ છે.

૨૦૨૩માં ભારતમાં રમાનારા વન-ડે વર્લ્ડ કપમાં રમવા મળશે કે કેમ એ વિશે પણ હું અત્યારથી કંઈ વિચારતો નથી. એ વિશ્વકપ હજી ૧૨ મહિના દૂર છે. એ પહેલાં ઘણી સિરીઝો રમાશે એટલે એના પર જ બધું લક્ષ આપતો રહીશ. : કુલદીપ યાદવ

sports sports news indian cricket team cricket news t20 world cup Kuldeep Yadav