03 February, 2024 10:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈમાં કપોળ સ્પોર્ટ્સ ગ્રુપ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું અયોજન
મુંબઈમાં કપોળ સ્પોર્ટ્સ ગ્રુપ સતત ૨૭ વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટનું અયોજન કરે છે. હાલમાં મુંબઈના પયાડે ક્રિકેટ ગાઉન્ડ પર ગ્રુપ ‘એ’ અને ‘બી’ની ટીમો વચ્ચે ૪૦-૪૦ ઓવર્સની ફાઇનલ રમાઈ હતી. ગ્રુપ ‘એ’માં કેએસજી રાઇડર્સ અને કેએસજી ફાઇટર્સ વચ્ચે ફાઇનલ મૅચ રમાઈ હતી. કેએસજી રાઇડર્સે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. કેએસજી ફાઇટર તરફથી આકાશ મહેતાએ ૬૬ રન, જશ ગોરડિયાએ ૫૬ રન, કરણ મહેતાએ ૫૦ રન ફટકાર્યા હતા. કેએસજી ફાઇટર્સની ટીમે ૪૦ ઓવરમાં ૧૦ વિકેટ ગુમાવીને ૨૯૭ રન ફટકાર્યા હતા. જવાબમાં કેએસજી રાઇડર્સની ટીમ ૧૬૮ રન બનાવી શકી હતી. કેએસજી રાઇડર્સ તરફથી સૌથી વધારે ૫૬ રન હિમાંશુ વોરાએ ફટકાર્યા હતા. ફાઇનલમાં ૧૨૯ રનથી જીત મેળવીને કેએસજી ફાઇટર્સની ટીમ ગ્રુપ ‘એ’ની વિજેતા ટીમ બની હતી. કેએસજી ફાઇટરના આકાશ મહેતા શ્રેષ્ઠ બૅટ્સમૅન, કેએસજી રાઇડર્સના પાર્થ મથુરિયા શ્રેષ્ઠ બોલર અને કેએસજી ફાઇટરના જશ ગોરડિયા મૅન ઑફ ધ મૅચ બન્યા હતા. કેએસજી ફાઇટરના આકાશ મહેતા મૅન ઑફ ધ સિરીઝ બન્યા હતા. ગ્રુપ ‘બી’માં કેએસજી ચૅમ્પિયન્સની ટીમે ટૉસ જીતીને પહેલા બૅટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેએસજી ચૅમ્પિયન તરફથી હર્ષ પારેખે ૮૭ રન, ધ્રુવ શેઠે ૫૮ રન, નિવિદ શાહે ૫૮ રન ફટકાર્યા હતા. કેએસજી ચૅમ્પિયને ૪૦ ઓવરમાં ૩૨૬ રન ફટકાર્યા હતા, જેની સામે કેએસજી પેન્થર્સની ટીમ ૨૮૩ રન બનાવી શકી હતી. ૪૩ રનથી જીત મેળવીને કેએસજી ચૅમ્પિયન્સની ટીમ ગ્રુપ ‘બી’ની વિજેતા ટીમ બની હતી. કેએસજી પેન્થર્સના પ્રતીક ગાંધી શ્રેષ્ઠ બૅટ્સમૅન, કેએસજી ચૅમ્પિયનના જય મહેતા શ્રેષ્ઠ બોલર અને કેએસજી ચૅમ્પિયનના હર્ષ પારેખ મૅન ઑફ ધ મૅચ બન્યા હતા.