29 October, 2024 10:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઋતુરાજ ગાયકવાડ
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર કૃષ્ણમાચારી શ્રીકાંતે યુવા ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડ વિશે ભારતીય ક્રિકેટ બોર્ડની યોજના પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે પોતાની યુટ્યુબ ચૅનલ પર કહ્યું હતું કે ‘હું ઋતુરાજ વિશે બિલકુલ સમજી શકતો નથી. મને તેના માટે ખરાબ લાગે છે. તે શું કરશે? જો ઋતુરાજે સદી ફટકારી હોય તો તેને T20 ટીમમાં સામેલ કરવો જોઈએ. તેણે બે ફર્સ્ટ ક્લાસ સદી ફટકારી હતી, પરંતુ તેને તક મળી નહોતી. તેણે સતત રન બનાવ્યા છે, પરંતુ ટીમ-મૅનેજમેન્ટ તેને તક આપી રહ્યું નથી, તે ખેલાડી હવે ક્યાં જાય? અભિમન્યુ ઈશ્વરને ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર બૅટિંગ કરી છે અને હું તેના વિશે કોઈ પ્રશ્ન નથી ઉઠાવી રહ્યો, પણ ઋતુરાજનું શું? તેના વિશે બોર્ડની યોજના શું છે એ સ્પષ્ટ નથી. જરા આ પ્લેયરની માનસિકતા જુઓ અને મને કહો કે તેણે ટીમમાં જોડાવા માટે બીજું શું કરવું પડશે?’
ઋતુરાજ ગાયકવાડ ઑસ્ટ્રેલિયાની ટૂર માટે ઇન્ડિયા A ટીમનો કૅપ્ટન છે, પરંતુ તેને ઇન્ડિયા Aના વાઇસ-કૅપ્ટન અભિમન્યુ ઈશ્વરનની જેમ ટેસ્ટ-ટીમમાં સ્થાન મળ્યું નથી. T20 રૅન્કિંગમાં ૧૩મો ક્રમ હોવા છતાં તેને સાઉથ આફ્રિકા ટૂરની સ્ક્વૉડમાં પણ સામેલ કરવામાં આવ્યો નથી.