27 March, 2025 12:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇન્જર્ડ હોવા છતાં વ્હીલચૅરની મદદથી પ્રૅક્ટિસ-સેશનમાં હાજરી આપીને શિમરોન હેટમાયર સહિતના પ્લેયર્સને સલાહ-સૂચન આપી રહ્યો છે હેડ કોચ રાહુલ દ્રવિડ.
IPL 2025ની છઠ્ઠી મૅચ આજે ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રાજસ્થાન રૉયલ્સ (RR) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચે રમાશે. આસામના આ સ્ટેડિયમમાં હોમ ટીમ તરીકે રાજસ્થાન રૉયલ્સની ચાર IPL મૅચ રમાઈ છે જેમાંથી રાજસ્થાનને એકમાં જીત અને બે મૅચમાં હાર મળી છે, જ્યારે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે આ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર અને છેલ્લી ટક્કર વરસાદને કારણે રદ રહી હતી.
આ સીઝનની પોતાની પહેલી મૅચ હારેલી આ બન્ને ટીમ બૅટિંગ અને બોલિંગ બન્ને વિભાગમાં નબળાઈ દૂર કરી શાનદાર કમબૅક કરવાની આશા સાથે મેદાન પર ઊતરશે. પહેલી મૅચમાં ફ્લૉપ રહેલા બન્ને ટીમના સ્ટાર પ્લેયર્સ પણ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી ટીમને આ સીઝનની પહેલી જીત અપાવવાના ટાર્ગેટ સાથે ઊતરશે. કલકત્તાના કૅપ્ટન અજિંક્ય રહાણે અને રાજસ્થાનના કૅપ્ટન રિયાન પરાગ પોતાના નેતૃત્વ હેઠળ ફ્રૅન્ચાઇઝીને પહેલી જીત અપાવવા આતુર હશે. છેલ્લી બે સીઝનમાં કલકત્તાની ટીમ રાજસ્થાન સામે જીત મેળવી શકી નથી. કલકત્તાએ છેલ્લે મે ૨૦૨૨માં વાનખેડે સ્ટેડિયમમાં રાજસ્થાન સામે જીત નોંધાવી હતી.
ગુવાહાટીના મેદાનમાં રાજસ્થાનના ઇન્જર્ડ હેડ કોચ રાહુલ દ્રવિડ સાથે વાતચીત કરતો કલકત્તાનો કૅપ્ટન અજિંક્ય રહાણે.
હેડ ટુ હેડ રેકૉર્ડ
કુલ મૅચ ૩૦
RRની જીત ૧૪
KKRની જીત ૧૪
નો-રિઝલ્ટ ૦૨