02 March, 2024 08:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કપિલ દેવ
ઈશાન કિશન અને શ્રેયસ ઐયરને સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટમાંથી બહાર કરવાના બીસીસીઆઇના નિર્ણયથી ક્રિકેટજગતમાં ખળભળાટ મચી ગયો છે. આ નિર્ણય બાદ ભૂતપૂર્વ ક્રિકેટર્સ અને ક્રિકેટ ફૅન્સની પ્રતિક્રિયા સામે આવી છે. ભારતને પ્રથમ વર્લ્ડ કપ જિતાડી આપનાર ભૂતપૂર્વ કૅપ્ટન કપિલ દેવે બીસીસીઆઇના નિર્ણયને સમર્થન આપ્યું છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે હું બીસીસીઆઇને ડોમેસ્ટિક ક્રિકેટને બચાવવા માટે જરૂરી પગલાં લેવા બદલ અભિનંદન આપું છું.
કોઈ પણ ખેલાડીનું નામ લીધા વગર તેમણે જણાવ્યું કે ‘મને એ જોઈને દુઃખ થતું હતું કે એક વાર ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં સેટ થયા બાદ કેટલાક ખેલાડીઓ ડોમેસ્ટિક ક્રિકેટમાં ભાગ લેવાનું બંધ કરી દેતા હતા. આ નિર્ણયથી કેટલાક ખેલાડીઓને તકલીફ તો થશે, કેટલાક લોકોએ ભોગવવું પડશે, પણ દેશથી મોટું કોઈ નથી. આ સારો નિર્ણય છે. બીસીસીઆઇનો આ મજબૂત નિર્ણય ડોમેસ્ટિક ક્રિકેટની પ્રતિષ્ઠા જાળવી રાખવા માટે ફાયદાકારક સાબિત થશે. સેટ થઈ ગયેલા સ્ટાર પ્લેયર્સની જવાબદારી છે કે તેઓ ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં રમે, કારણ કે એના થકી જ તેઓ ભારતીય ટીમમાં રમી રહ્યા છે.’
ભૂતપૂર્વ ક્રિકેટરોના પેન્શનમાં વધારો કરવા બદલ બીસીસીઆઇનો આભાર વ્યક્ત કરતાં કપિલ દેવે કહ્યું કે ‘હું ખુશ છું કે પેન્શનની રકમમાં વધારો થયો છે, જે એ લોકો માટે ફાયદાકારક રહેશે જેમના પરિવાર પેન્શન પર નિર્ભર છે.’
બીસીસીઆઇએ હાલમાં ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની સલાહની અવગણના કરવા બદલ યુવા ક્રિકેટર્સ ઈશાન અને ઐયરને સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટમાંથી બહાર કાઢ્યા હતા. બીસીસીઆઇના આ નિર્ણય બાદ ભૂતપૂર્વ ક્રિકેટર્સના મિશ્ર પ્રતિસાદ આવ્યા હતા.
ભૂતપૂર્વ ઑલરાઉન્ડર ઇરફાન પઠાણે સોશ્યલ મીડિયા પર લખ્યું છે કે ‘ઐયર-ઈશાન મજબૂતી સાથે વાપસી કરશે એવી મને આશા છે. હાર્દિક જેવા ખેલાડીઓ રેડ બૉલ ક્રિકેટ રમવા નથી ઇચ્છતા, તેઓ જ્યારે નૅશનલ ડ્યુટી પર ન હોય ત્યારે તેમણે ડોમેસ્ટિક ક્રિકેટમાં ભાગ લેવો જોઈએ. જો આ નિયમ બધા પર લાગુ નથી થતો તો ભારતીય ક્રિકેટ ઇચ્છિત પરિણામ ન મેળવી શકે. હાર્દિક પંડ્યા ૨૦૧૮થી ટેસ્ટ ક્રિકેટથી દૂર છે.’
ભૂતપૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદે જણાવ્યું કે ‘આ નિયમ રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત ભારતીય ટીમના તમામ ખેલાડીઓ પર લાગુ થવો જોઈએ.’
લાંબા સમયથી ભારતીય ટીમમાંથી બહાર રહેલા અનુભવી વિકેટકીપર-બૅટ્સમૅન વૃદ્ધિમાન સહાએ જણાવ્યું કે ‘ડોમેસ્ટિક ટુર્નામેન્ટ ભારતીય ક્રિકેટનો આધાર છે. દરેક પ્લેયરને આગળ વધવા માટે એ જરૂરી છે. કોઈ પણ ખેલાડીને ડોમેસ્ટિક ક્રિકેટ રમવા માટે જબરદસ્તી નહીં કરવી જોઈએ.’