વિલિયમસન સેકન્ડ ઇનિંગ્સમાં સેન્ચુરી સાથે બ્રૅડમૅન - સ્મિથ - રુટની પંગતમાં

07 February, 2024 06:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ન્યુ ઝીલૅન્ડ માટે બન્ને ઇનિંગ્સમાં સદી ફટકારનાર કેન વિલિયમસન પાંચમો બૅટ્સમૅન બન્યો

કેન વિલિયમસન

ન્યુ ઝીલૅન્ડનો સુકાની કેન વિલિયમસન હાલમાં પોતાનું શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેણે સાઉથ આફ્રિકા સામેની બે મૅચની ટેસ્ટ સિરીઝમાં પહેલી ટેસ્ટમાં શાનદાર બૅટિંગ-પ્રદર્શન કર્યું હતું. પહેલી ઇનિંગ્સમાં સદી ફટકાર્યા બાદ બીજી ઇનિંગ્સમાં પણ કેન વિલિયમસને સદી ફટકારી હતી. તેણે માઉન્ટ માઉંગાનુઈમાં અનેક રેકૉર્ડ પોતાના નામે કર્યા છે. તેણે પહેલી ઇનિંગ્સમાં ૧૧૮ રન અને બીજી ઇનિંગ્સમાં ૧૦૯ રન કર્યા હતા. મૅચમાં ન્યુ ઝીલૅન્ડના યુવા ક્રિકેટર રચિન રવીન્દ્રના ૨૪૦ રન અને કેન વિલિયમસનના ૧૦૮ રનની મદદથી પહેલી ઇનિંગ્સમાં ૫૧૧ રન કર્યા હતા. જવાબમાં આફ્રિકાની ટીમ પહેલી ઇનિંગ્સમાં ૧૬૨ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. કિવી ટીમને ૩૪૯ રનની લીડ મળી હતી. ત્રીજા દિવસના રમતના અંતે કિવી ટીમે ૪ વિકેટે ૧૭૯ રન બનાવી લીધા છે અને ૫૨૮ રનની લીડ મેળવી લીધી છે.

આ સિદ્ધિ મેળવનાર પાંચમો કિવી ક્રિકેટર વિલિયમસન
કેન વિલિયમસન ન્યુ ઝીલૅન્ડ માટે ટેસ્ટ ક્રિકેટમાં બન્ને ઇનિંગ્સમાં સદી ફટકારનાર પાંચમો ક્રિકેટર બન્યો છે. એ પહેલાં ગ્લેન ટર્નર (૧૯૭૪), જ્યૉફ હોવાર્થ (૧૯૭૮), ઍન્ડ્રયુ જૉન્સ (૧૯૯૧) અને પીટર ફુલ્ટન (૨૦૧૩)એ આ સિદ્ધિ મેળવી હતી. જોકે ટેસ્ટ ક્રિકેટમાં બન્ને ઇનિંગ્સમાં સદી ફટકારવાનો કિસ્સો ૯૨મી વાર બન્યું.

વિરાટ કોહલી અને જો રુટને પાછળ છોડ્યા
કેન વિલિયમસને ફૉર્મ પાછું મેળવી લીધું છે. તેની ટેસ્ટ ક્રિકેટમાં છેલ્લી ૧૦ ઇનિંગ્સની વાત કરીએ તો એમાં તે ૬ સદી ફટકારી ચૂક્યો છે. ન્યુ ઝીલૅન્ડના સુકાનીનો સ્કોર છેલ્લી ૧૦ ટેસ્ટ ઇનિંગ્સમાં ૧૩૨, ૧, ૧૨૧*, ૨૧૫, ૧૦૪, ૧૧, ૧૩, ૧૧, ૧૧૮ અને ૧૦૯ રનનો સ્કોર રહ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં તેની આ ૩૧મી સદી હતી. તે હાલમાં સક્રિય ખેલાડીમાં સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારવાના કિસ્સામાં બીજા સ્થાને છે. બીજી ઇનિંગ્સમાં સદી ફટકારતાની સાથે જ તેણે જો રુટને પાછળ છોડી દીધો છે. જો રુટની ટેસ્ટમાં ૩૦ સદી છે, જ્યારે કેન વિલિયમસનની ૩૧ સદી છે. તેની આગળ અત્યારે સ્ટીવ સ્મિથ છે, તેની ૩૨ સદી છે, તો વિરાટ કોહલી ૨૯ સદી સાથે ચોથા સ્થાને છે.

સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારનાર સક્રિય ખેલાડી

બૅટર

દેશ

તમામ ફૉર્મેટમાં કુલ સદી

કોહલી

ભારત

૮૦

વૉર્નર

ઑસ્ટ્રેલિયા

૪૯

જો રુટ

ઇંગ્લૅન્ડ

૪૬

રોહિત

ભારત

૪૬

સ્ટીવ સ્મિથ

ઑસ્ટ્રેલિયા

૪૪

વિલિયમસન

ન્યુ ઝીલૅન્ડ

૪૪

બ્રૅડમૅન અને જો રુટની બરોબરી કરી
કેન વિલિયમસને ઘરઆંગણે ક્રિકેટના મેદાનમાં ૧૮મી ટેસ્ટ સદી ફટકારી છે. આ કિસ્સામાં તેણે ઑસ્ટ્રેલિયાના દિગ્ગજ ડૉન બ્રૅડમૅન અને ઇંગ્લૅન્ડના જો રુટની બરોબરી કરી છે. બ્રૅડમૅને ઑસ્ટ્રેલિયા અને જો રુટે ઇંગ્લૅન્ડ માટે ઘરઆંગણે ૧૮-૧૮ સદી ફટકારી છે. આ રેકૉર્ડમાં શ્રીલંકાના દિગ્ગજ ક્રિકેટર માહેલા જયવર્ધને, સાઉથ આફ્રિકાના જૅક કાલિસ અને ઑસ્ટ્રેલિયાના રિકી પૉન્ટિંગ ટોચના સ્થાને છે. આ તમામે ઘરઆંગણે ૨૩-૨૩ સદી ફટકારી છે.

સ્ટીવ સ્મિથના રેકૉર્ડની બરોબરી કરી
કેન વિલિયમસને ઑસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ સાથે સંયુક્ત રીતે સૌથી વધુ ૩૧ ટેસ્ટ સદી ફટકારવામાં બીજા ક્રમના ખેલાડી બન્યા છે. પહેલા સ્થાને ક્રિકેટના ગૉડ ગણાતા સચિન તેન્ડુલકરના નામે છે, તેણે ૧૬૫ ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે.

sports news cricket news sports new zealand test cricket south africa kane williamson steve smith virat kohli