17 January, 2023 03:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જોશીલે જોશી ટીમ
કાંદિવલી-વેસ્ટના પોઇસર જિમખાનામાં શ્રી કનકેશ્વરી સ્પોર્ટ્સ ઍન્ડ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ સમાજના જ્ઞાતિજનો માટેની વર્ષ ૨૦૨૩ની ટેનિસ બૉલ ક્રિકેટ ટુર્નામેન્ટ ઉનેવાળ પ્રીમિયર લીગ (યુપીએલ) જોશીલે જોશી ટીમે ફાઇનલમાં ઠાકર ટાઇગર્સને ૧૬ રનથી હરાવીને જીતી લીધી છે. બૅટિંગ મળ્યા પછી જોશીલે જોશીએ ૬ ઓવરમાં અશોક જોશી (૧૭ બૉલમાં ૩૦) અને કુશાલ જોશી (૧૦ બૉલમાં અણનમ ૨૯)ના મોટા યોગદાનોની મદદથી બે વિકેટે ૬૯ રન બનાવ્યા હતા. અશોક જોશીની બે અને પ્રજેશ દરજીની બે વિકેટને કારણે ઠાકર ટાઇગર્સની ટીમ ૬ ઓવરમાં ૪ વિકેટે ૫૩ રન બનાવી શકી હતી. અશોક જોશીને મૅન ઑફ ધ મૅચનો અને મૅન ઑફ ધ સિરીઝ (૬ મૅચમાં કુલ ૬૮ રન, ૮ વિકેટ)નો અવૉર્ડ અપાયો હતો. જોશીલે જોશી ટીમના જ કૅપ્ટન કુશાલ અશોક જોશી (૬ મૅચમાં ૧૬૬ રન)ને બેસ્ટ બૅટરનો અને મંદાર પાલવ (૬ મૅચમાં ૮ વિકેટ)ને બેસ્ટ બોલરનો પુરસ્કાર અપાયો હતો.બાવીસ વર્ષના કુશાલ જોશીનું કૅપ્ટન તરીકે આ પહેલું જ વર્ષ હતું અને તેમની કૅપ્ટન્સીમાં તેમના પિતા ૫૦ વર્ષીય અશોક જોશીએ અસાધારણ ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી જોશીલે જોશી ટીમને ચૅમ્પિયનપદ અપાવ્યું. હેમલ ઓઝાના સુકાનમાં ઠાકર ટાઇગર્સે શાનદાર પર્ફોર્મ કરીને રનર-અપની ટ્રોફી મેળવી હતી.