15 October, 2024 05:25 PM IST | Pakistan | Gujarati Mid-day Online Correspondent
જૉ રૂટ (મિડ-ડે)
Pakistan vs England: પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચમાં પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી. પહેલા 10 ઓવરમાં જ ઇંગ્લેન્ડના જેક લીચે બે વિકેટ લઈ લીધી. જો રૂટે બૉલ ચમકાવવા માટે લીચના માથાનો ઉપયોગ કર્યો. કોવિડ બાદ આઈસીસીએ થૂંક લગાડીને બૉલને ચમકાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની બીજી મેચ મુલ્તાનમાં શરૂ થઈ ગઈ છે. આ મેદાન પર ટેસ્ટ સીરિઝ પહેલા મેચમાં ઇંગ્લેન્ડે ઇન્નિંગમાં જીત હાંસલ કરી હતી. બીજી ટેસ્ટ તે જ પિચ પર રમવામાં આવી રહી છે, જે પિચ પર પહેલી સીરિઝની પહેલી મેચ થઈ હતી. આ મેચમાં પણ પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી. પહેલા 10 ઓવરમાં ઇંગ્લેન્ડે બે બેટરને પાછા મોકલી આપ્યા. બન્ને વિકેટ જેક લીચે લીધી.
લીચના માથા પર ઘસ્યો બૉલ
ઈંગ્લેન્ડના ડાબોડી સ્પિનર જેક લીચના માથા પર વાળ નથી. ઈંગ્લેન્ડના અગ્રણી બેટ્સમેન જો રૂટે તેના માથા પર બૉલ રગડીને તેને સાઈન કર્યો હતો. વાસ્તવમાં, પહેલાના ખેલાડીઓ બૉલને તેના પર થૂંકીને ચમકાવતા હતા. પરંતુ કોવિડના આગમન પછી, ICCએ બૉલ પર થૂંકવા પર પ્રતિબંધ મૂક્યો. હવે ખેલાડીઓ પરસેવાથી જ બૉલને ચમકાવે છે. જો રૂટે લીચના માથા ઉપર બૉલને ચમકાવવાનો પ્રયાસ કર્યો હતો.
પહેલા પણ રૂટ કરી ચૂક્યો છે આવું
આ પહેલીવાર નથી જ્યારે જો રૂટે બૉલ જેક લીચના માથા પર નાખ્યો હોય. રૂટે 2022ના પાકિસ્તાન પ્રવાસ દરમિયાન આવું જ કર્યું હતું. એશિયામાં રમાતી ટેસ્ટ મેચોમાં બૉલ રિવર્સ સ્વિંગ થાય છે. આ માટે બૉલની એક બાજુએ ચમક હોવી જોઈએ. જો રૂટ આ માટે લીચના માથાનો ઉપયોગ કરે છે.
પિચમાં સ્પિન બૉલરો માટે મદદ
મુલતાનની પીચ સ્પિન બૉલરો માટે મદદરૂપ છે. ટેકનિકલી આ મેચ છઠ્ઠા દિવસની પીચ પર રમાઈ રહી છે. મુલ્તાન સ્ટેડિયમની આ પીચ પર પ્રથમ ટેસ્ટ મેચ પણ રમાઈ હતી. લીચે મેચના પહેલા દિવસે ઈતિહાસ પણ રચ્યો હતો. તેણે ટેસ્ટની પ્રથમ 10 ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. 1889 પછી પહેલીવાર કોઈ ઈંગ્લિશ સ્પિનરે મેચની પ્રથમ 10 ઓવરમાં વિકેટ લીધી છે.
ઉલ્લેખનીય છે કે, ઑગસ્ટમાં હન્ડ્રેડ ટુર્નામેન્ટ દરમ્યાન ઇન્જર્ડ થનાર ઇંગ્લૅન્ડનો કૅપ્ટન બેન સ્ટોક્સ સંપૂર્ણપણે ફિટ થઈ ગયો છે અને આજે પાકિસ્તાન સામે શરૂ થનારી બીજી ટેસ્ટમાં તે ફરી ટીમની કમાન સંભાળશે. ઇન્જરીને લીધે ૩૩ વર્ષનો સ્ટોક્સ ઘરઆંગણે શ્રીલંકા સામેની આખી સિરીઝમાં નહોતો રમી શક્યો. સ્ટોક્સ ટીમમાં ક્રિસ વોક્સનું સ્થાન લેશે. ઉપરાંત ઇંગ્લૅન્ડે ગસ ઍટકિન્સનને બદલે મૅથ્યુ પૉટ્સનો સમાવેશ કર્યો છે. બીજી તરફ સતત હારને લીધે પાકિસ્તાન ટીમ મૅનેજમેન્ટે ઘણા ફેરફાર કર્યા છે. પાકિસ્તાને બાબર આઝમ, શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ અને સરફરાઝ અહમદને સ્ક્વૉડમાંથી બહાર કરી દીધા છે.