22 November, 2024 08:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જસપ્રીત બુમરાહ
ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આજથી શરૂ થયેલી બૉર્ડર-ગાવસકર ટ્રોફીની પહેલી ટેસ્ટમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. તેણે જુલાઈ ૨૦૨૨માં ઇંગ્લૅન્ડ સામેની એક માત્ર ટેસ્ટમાં કૅપ્ટન્સી કરી હતી જેમાં ઇંગ્લૅન્ડે સાત વિકેટે જીત મેળવી હતી. બે વર્ષ બાદ બુમરાહ ફરી કૅપ્ટન તરીકે પડકારનો સામનો કરવા તૈયાર છે. બે વર્ષ બાદ કૅપ્ટન્સી સંભાળનાર બુમરાહે ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન પૅટ કમિન્સ અને ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન કપિલ દેવના ઉદાહરણનો ઉલ્લેખ કર્યો હતો કે ફાસ્ટ બોલર્સ વ્યૂહરચનામાં નિષ્ણાત હોય છે અને એ જ તેમને સારો કૅપ્ટન બનાવે છે. આવી ઘણી રસપ્રદ વાતો તેણે
પ્રેસ-કૉન્ફરન્સમાં કહી હતી...
હું કેપ્ટન્સીને એક પદ તરીકે જોતો નથી. મને હંમેશાં જવાબદારીઓ લેવાનું પસંદ છે. મને નાનપણથી જ મુશ્કેલ કામ કરવાનો શોખ છે. મને મુશ્કેલ પરિસ્થિતિમાં કામ કરવું ગમે છે અને આ એક નવો પડકાર છે.
તમારે કોઈની નકલ કરવાને બદલે તમારી પોતાની શૈલી શોધવી પડશે. વિરાટ અને રોહિત ખૂબ જ સફળ રહ્યા છે અને પરિણામ પણ આપ્યું છે. મારો અભિગમ એ છે કે હું કૉપીબુકની યુક્તિઓને અનુસરતો નથી. તમે મારી બોલિંગમાં પણ જોશો કે મારી પોતાની સ્ટાઇલ છે. હું હંમેશાં આ રીતે ક્રિકેટ રમ્યો છું.
વિરાટ અને રોહિતની કૅપ્ટન્સીમાં મેં તેમની પાસેથી શીખવાનો પ્રયાસ કર્યો અને હવે હું નવા પ્લેયર્સ સાથે મારો અનુભવ શૅર કરું છું.
અમે ન્યુ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝની હારનો ભાર લઈને નથી આવ્યા. એ સિરીઝમાંથી અમે ઘણું શીખ્યા છીએ, પરંતુ અહીં સ્થિતિ અલગ છે અને અહીં અમારાં પરિણામો અલગ રહ્યાં છે. હું અત્યારે વર્તમાનમાં જીવું છું. હું મારું શ્રેષ્ઠ યોગદાન કેવી રીતે આપી શકું એ વિશે વિચારી રહ્યો છું. ભવિષ્ય પર મારું કોઈ નિયંત્રણ નથી.
અમારી ટીમના યંગ પ્લેયર્સ વિશે સૌથી સારી બાબત એ છે કે જ્યારે તમે તેમની સાથે વાત કરો છો ત્યારે કોઈ મૂંઝવણ કે ડર દેખાતો નથી. યંગ પ્લેયર્સને તેમની ક્ષમતામાં વિશ્વાસ છે, આ વસ્તુ એક લીડર તરીકે તમને ઘણો વિશ્વાસ આપે છે કે એક યંગ પ્લેયર સખત મહેનત કરવા માગે છે, તે જવાબદારી લેવા માગે છે અને પોતાને સાબિત કરવા માગે છે. કૅપ્ટન માટે આનાથી વધુ ખુશીની વાત કોઈ હોઈ શકે નહીં.
રોહિત શર્મા ટીમ સાથે ક્યારે જોડાશે?
ભારતીય કૅપ્ટન રોહિત શર્મા બીજા બાળકના જન્મને કારણે પર્થ ટેસ્ટમાં નથી રમી રહ્યો, પરંતુ અહેવાલ અનુસાર તે પહેલી ટેસ્ટના ત્રીજા દિવસે એટલે કે રવિવારે ૨૪ નવેમ્બરે ભારતીય ટીમ સાથે જોડાઈ શકે છે. ૬ ડિસેમ્બરથી રમાનારી બીજી ટેસ્ટથી તે ભારતીય ટીમની કમાન સંભાળશે.