07 February, 2024 06:45 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જસપ્રિત બુમરાહની ફાઇલ તસવીર
ભારતના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah)એ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ – આઇસીસી (International Cricket Council – ICC) મેન્સ ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ઈતિહાસ રચ્યો છે. જસપ્રીત બુમરાહ ટેસ્ટ બોલિંગ રેન્કિંગ (Jasprit Bumrah ICC Rankings)માં ટોચ પર પહોંચનાર ચોથો ભારતીય બોલર અને પ્રથમ ભારતીય ઝડપી બોલર બની ગયો છે. જસપ્રીત બુમરાહની આ સિદ્ધિથી ક્રિકેટ ફેન્સ ખુશખુશાલ થઈ ગયા છે.
આઇસીસી મેન્સ ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ભારતનો ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે પ્રથમ સ્થાન પર પહોંચ્યો છે. આ પહેલા રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin), રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) અને બિશન સિંહ બેદી (Bishan Singh Bedi) એશિયન દેશોના એકમાત્ર બોલર હતા જેમણે આવી સિદ્ધિ મેળવી હતી. એટલે કે ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ ભારતીય ફાસ્ટ બોલર ટેસ્ટ રેન્કિંગમાં પોતાનું વર્ચસ્વ હાંસલ કરવામાં સફળ રહ્યો હોય.
તમને જણાવી દઈએ કે, જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડ (England) સામેની બીજી ટેસ્ટ મેચમાં શાનદાર બોલિંગ કરી હતી અને તે ૯ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. તે પછી જસપ્રીત બુમરાહ નવીનતમ ICC ટેસ્ટ બોલિંગ રેન્કિંગ (Jasprit Bumrah ICC Rankings)માં વિશ્વનો નંબર વન બોલર બની ગયો છે. જસપ્રીત બુમરાહના ૮૮૧ પોઈન્ટ છે.
આઇસીસી ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં પ્રથમ સ્થાન પર પહોંચનાર જસપ્રીત બુમરાહ પહેલો ભારતીય પ્લેયર છે. આ પહેલા ભારતના ફાસ્ટ બોલર કપિલ દેવ (Kapil Dev) ડિસેમ્બર ૧૯૭૯થી ફેબ્રુઆરી ૧૯૮૦ દરમિયાન આઇસીસી ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં બીજા નંબર પર રહ્યા હતા.
બોલિંગ ટેસ્ટ રેન્કિંગમાં જસપ્રીત બુમરાહ પછી દક્ષિણ આફ્રિકા (South Africa)નો કાગિસો રબાડા (Kagiso Rabada) બીજા સ્થાને છે. રબાડા ૮૫૧ પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. ભારતનો રવિચંદ્રન અશ્વિન ત્રીજા નંબર પર છે. નોંધનીય છે કે, રવિચંદ્રન અશ્વિને ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં ત્રણ વિકેટ ઝડપી હતી. હવે અશ્વિન પાસે ૫૦૦ વિકેટ લેવાની તક છે અને તેના માટે તેને માત્ર એક વિકેટની જરૂર છે.
આઇસીસી રેન્કિંગના તાજેતરના અપડેટ્સમાં વધુ એક ભારતીય પ્લેયરે પોતાનું સ્થાન બનાવવામાં સફળતા મેળવી છે. બુમરાહ ઉપરાંત યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal)એ પણ તાજેતરની ICC ટેસ્ટ રેન્કિંગમાં તેના શાનદાર પ્રદર્શનનું પરિણામ મેળવ્યું છે. યશસ્વી જયસ્વાલે બીજી ટેસ્ટ મેચમાં ભારતની પ્રથમ ઇનિંગ દરમિયાન ૨૦૯ રન બનાવ્યા હતા. જેના કારણે તેને ICC ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં ફાયદો થયો છે. આ જબરજસ્ત ઇનિંગ બાદ યશસ્વી જયસ્વાલે ૩૭ સ્થાનની છલાંગ લગાવી છે અને હવે તે આઇસીસી બેટિંગ રેન્કિંગમાં ૨૯માં સ્થાને પહોંચી ગયો છે.
આ સિવાય, આઇસીસી રેન્કિંગના તાજેતરના અપડેટ્સ મુજબ કેન વિલિયમ્સન (Kane Williamson)એ ટેસ્ટ બેટ્સમેનોમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.