18 November, 2024 09:39 AM IST | Perth | Gujarati Mid-day Correspondent
જસપ્રીત બુમરાહ, રવિચન્દ્રન અશ્વિન
ભારતીય ટેસ્ટ-ટીમના વાઇસ-કૅપ્ટન અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ બાવીસમી નવેમ્બરથી આયોજિત બૉર્ડર-ગાવસકર ટ્રોફી (BGT)માં કપિલ દેવનો મોટો રેકૉર્ડ તોડી શકે છે. ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન કપિલ દેવ ઑસ્ટ્રેલિયામાં સૌથી વધુ ૫૧ ટેસ્ટ-વિકેટ લેનાર ભારતીય બોલર છે. BGT ૨૦૨૪-’૨૫ની પાંચ મૅચની ૧૦ ઇનિંગ્સમાં ૨૦ વિકેટ ઝડપીને જસપ્રીત બુમરાહ આ રેકૉર્ડ પોતાને નામે કરી શકે છે. તેણે ઑસ્ટ્રેલિયન ધરતી પર માત્ર સાત ટેસ્ટ-મૅચમાં ૩૨ વિકેટ ઝડપી છે. કપિલ દેવ બાદ આ લિસ્ટમાં બીજા ક્રમે અનિલ કુંબલે (૪૯ વિકેટ) છે અને ૧૦ મૅચમાં ૩૯ વિકેટ સાથે ત્રીજા ક્રમે રવિચન્દ્રન અશ્વિન છે. ચોથા ક્રમે બિશન સિંહ બેદી (૩૫ વિકેટ), બુમરાહ આ લિસ્ટમાં પાંચમા ક્રમે છે. જોવાનું એ રહેશે કે ઑસ્ટ્રેલિયન પિચ પર આ રેકૉર્ડ તોડવાની રેસમાં અશ્વિન અને બુમરાહમાંથી કોની જીત થશે.
બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં અશ્વિન અને લાયન વચ્ચે જામશે નંબર વન બનવાનો જંગ
બાવીસમી નવેમ્બરથી આયોજિત ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે બૉર્ડર-ગાવસકર ટ્રોફી (BGT)માં બન્ને ટીમના દિગ્ગજ સ્પિનર વચ્ચે નંબર વન બનવાનો જંગ જામશે. ૩૮ વર્ષનો રવિચન્દ્રન અશ્વિન અને ૩૬ વર્ષના નૅથન લાયન વચ્ચે બૉર્ડર-ગાવસકર ટ્રોફી, વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) અને ટેસ્ટમાં હાઇએસ્ટ ઍક્ટિવ વિકેટટેકર બોલરના લિસ્ટમાં નંબર વન બનવા રસાકસી થશે.
BGTની ૨૬ મૅચમાં ૧૧૬ વિકેટ સાથે નૅથન લાયન હાઇએસ્ટ વિકેટટેકર છે, જ્યારે અશ્વિન બાવીસ મૅચમાં ૧૧૪ વિકેટ સાથે બીજા ક્રમે છે. WTCની ૪૦ મૅચમાં અશ્વિને હાઇએસ્ટ ૧૯૪ વિકેટ ઝડપી છે, જ્યારે બીજા ક્રમે નૅથનના નામે ૪૩ મૅચમાં ૧૮૭ વિકેટ છે. ટેસ્ટ ક્રિકેટમાં ઍક્ટિવ પ્લેયર્સમાં હાલમાં હાઇએસ્ટ વિકેટટેકર બોલર અશ્વિન છે જેણે ૧૦૫ ટેસ્ટમાં ૫૩૬ વિકેટ ઝડપી છે. તેના પછી નૅથન બીજા ક્રમે છે જેના નામે ૧૨૯ ટેસ્ટમાં ૫૩૦ વિકેટ છે.