ઑસ્ટ્રેલિયામાં ૩૨ વિકેટ લઈને બિશન સિંહ બેદીનો ૪૭ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો જસપ્રીત બુમરાહે

05 January, 2025 09:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બુમરાહ વિદેશની ધરતી પર એક ટેસ્ટ-સિરીઝમાં સૌથી વધુ ૩૨ વિકેટ લેનાર ભારતીય બોલર બની ગયો છે

બિશન સિંહ બેદી

વર્તમાન બૉર્ડર-ગાવસકર ટ્રોફી (BGT)માં ભારતીય ફાસ્ટ બોલર બુમરાહે ૯ ઇનિંગ્સમાં ૯૦૮ બૉલમાં ૪૧૮ રન આપીને સૌથી વધુ ૩૨ વિકેટ ઝડપી છે. તેણે ૧૫૧.૨ ઓવરમાંથી ૩૯ ઓવર મેઇડન નાખી છે. ગઈ કાલે સિડની ટેસ્ટના બીજા દિવસે પહેલા સેશનમાં ઑસ્ટ્રેલિયન બૅટર માર્નસ લબુશેન (બે રન)ને આઉટ કરીને તેણે વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે.

બુમરાહ વિદેશની ધરતી પર એક ટેસ્ટ-સિરીઝમાં સૌથી વધુ ૩૨ વિકેટ લેનાર ભારતીય બોલર બની ગયો છે. આ પહેલાં આ રેકૉર્ડ ભૂતપૂર્વ કૅપ્ટન અને મહાન સ્પિનર ​​બિશન સિંહ બેદીના નામે હતો. બેદીએ ઑસ્ટ્રેલિયામાં ૧૯૭૮ની ટેસ્ટ-સિરીઝની પાંચ મૅચ કુલ ૩૧ વિકેટ સાથે પૂરી કરી હતી. શુક્રવારે ઓપનર ઉસ્માન ખ્વાજાને આઉટ કરીને બુમરાહે આ રેકૉર્ડની બરાબરી કરી હતી. 

હરભજન સિંહનો રેકૉર્ડ તોડવાથી માત્ર એક વિકેટ દૂર છે બુમરાહ

બૉર્ડર-ગાવસકર ટ્રોફી (BGT)ની એક સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેવા મામલે તેણે ભૂતપૂર્વ સ્પિનર હરભજન સિંહના રેકૉર્ડની પણ બરાબરી કરી છે. ૨૦૦૧માં ભારતમાં રમાયેલી આ સિરીઝમાં હરભજન સિંહે ત્રણ મૅચમાં ૩૨ ઑસ્ટ્રેલિયન પ્લેયર્સને આઉટ કર્યા હતા. વધુ એક વિકેટ લઈને તે હરભજન સિંહનો આ ૨૪ વર્ષ જૂનો રેકૉર્ડ પણ તોડી શકે છે. 

jasprit bumrah test cricket border gavaskar trophy india indian cricket team harbhajan singh cricket news sports sports news