જેમ્સ ઍન્ડરસને વિદાય લીધી હાઇએસ્ટ ટેસ્ટ-વિકેટ લેનારા ફાસ્ટ બોલર તરીકે

13 July, 2024 07:29 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડે વેસ્ટ ઇન્ડીઝને એક ઇનિંગ્સ અને ૧૧૪ રનથી કચડીને જીતી લીધી પહેલી ટેસ્ટમૅચ

જેમ્સ ઍન્ડરસન

મુથૈયા મુરલીધરન અને શેન વૉર્ન પછી વિકેટ લેવામાં ઓવરઆ‌ૅલ થર્ડ-હાઇએસ્ટ

વેસ્ટ ઇન્ડીઝ સામે ઘરઆંગણે રમી રહેલા ઇંગ્લૅન્ડે ગઈ કાલે પહેલી ટેસ્ટમૅચમાં ત્રીજા જ દિવસે એક ઇનિંગ્સ અને ૧૧૪ રનથી વિજય મેળવ્યો હતો. લૉર્ડ્સમાં રમાયેલી આ ટેસ્ટમાં ઇંગ્લૅન્ડે પહેલી ઇનિંગ્સમાં ૩૭૧ રન કર્યા હતા, જ્યારે વેસ્ટ ઇન્ડીઝ પહેલી ઇનિંગ્સમાં માત્ર ૧૨૧ રન કરીને ફૉલોઑન થયું હતું અને બીજી ઇનિંગ્સમાં ૧૩૬ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું.

પોતાની પહેલી જ ટેસ્ટ રમી રહેલા અંગ્રેજ પેસ બોલર ગસ ઍટકિન્સને આ મૅચમાં ૧૨ વિકેટ લીધી હતી, જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની પોતાની છેલ્લી મૅચ રમી રહેલા જેમ્સ ઍન્ડરસને પહેલી ઇનિંગ્સની એક અને બીજી ઇનિંગ્સની ત્રણ મળીને કુલ ચાર વિકેટ લીધી હતી.

જેમ્સ ઍન્ડરસનની આ ૧૮૮મી ટેસ્ટ હતી અને તેણે કુલ ૭૦૪ વિકેટ લઈને પોતાની ટેસ્ટ-કરીઅર સમાપ્ત કરી હતી. ટેસ્ટક્રિકેટમાં ઍન્ડરસન જેટલી વિકેટ બીજા કોઈ ફાસ્ટ બોલરે નથી લીધી. ટેસ્ટક્રિકેટમાં સૌથી વધુ વિકેટ મુથૈયા મુરલીધરનની ૮૦૦ છે અને બીજા નંબરે ૭૦૮ વિકેટ સાથે શેન વૉર્ન છે. ઍન્ડરસન ત્રીજા નંબરે છે.

સચિન તેન્ડુલકરને સર્વશ્રેષ્ઠ બૅટર માને છે જેમ્સ ઍન્ડરસન

ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસનનું કહેવું છે કે તેની લાંબી કરીઅર દરમ્યાન તેણે મહાન ભારતીય બૅટ્સમૅન સચિન તેન્ડુલકર સામે બોલિંગ કરવાનો સૌથી વધુ આનંદ લીધો છે. ઍન્ડરસને ભલે નવ વખત તેન્ડુલકરને આઉટ કર્યો હોય, પરંતુ તે ભારતીય માસ્ટર બ્લાસ્ટર સામે કોઈ ચોક્કસ પ્લાન બનાવી શક્યો નહોતો. જ્યારે ઍન્ડરસનને પૂછવામાં આવ્યું કે કોની સામે બોલિંગ કરવી સૌથી મુશ્કેલ છે, તો તેણે કહ્યું હતું કે મારે કહેવું છે કે સચિન સર્વશ્રેષ્ઠ બૅટ્સમૅન હતો. 

જેમ્સ ઍન્ડરસનની આંકડાબાજી
ફૉર્મેટ    મૅચ    વિકેટ    ઇકૉનૉમી    ઍવરેજ
ટેસ્ટ    ૧૮૮    ૭૦૪    ૨.૭૯    ૨૬.૪
વન-ડે    ૧૯૪    ૨૬૯    ૪.૯૨    ૨૯.૨
T20    ૧૯    ૧૮    ૭.૮૪    ૩૦.૭

west indies england sports news sports cricket news