રાજકોટમાં ટીમ ઇન્ડિયાને કાઠિયાવાડી જલસો

13 February, 2024 07:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૅપ્ટન રોહિત શર્માને હોટેલનો પ્રેસિડેન્શ્યિલ સ્વીટ ખાસ અપાયો છે

શુભમન ગિલ્લ , રોહિત શર્મા

રાજકોટ : ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ ચાલી રહી છે અને સિરીઝની ત્રીજી ટેસ્ટ મૅચ રમવા માટે બન્ને ટીમ ગુજરાતના રાજકોટ ખાતે આવી પહોંચી છે. આ ટેસ્ટ મૅચની સિરીઝ હાલ ૧-૧થી સરભર છે. બીજી ટેસ્ટ મૅચ પૂરી થયા બાદ ઇંગ્લૅન્ડની ટીમ અબુ ધાબી જતી રહી હતી, જ્યારે ભારતીય ટીમે પોતાના ઘરે પરિવાર સાથે સમય વિતાવ્યો હતો. ભારતીય ટીમ જે હોટેલમાં રોકાણ કરી રહી છે એ હોટેલ ખેલાડીઓને સ્પેશ્યલ ગુજરાતી અને ખાસ કરીને કાઠિયાવાડી જમવાનો સ્વાદ ચખાડશે. બન્ને ટીમ ૧૦ દિવસ માટે રાજકોટમાં રોકાણ કરશે. હોટેલે ખેલાડીઓ માટે વિશેષ વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત કૅપ્ટન રોહિત શર્માને હૉટેલનો પ્રેસિડેન્શ્યિલ સ્વીટ ખાસ અપાયો છે. ખેલાડીઓના ફૂડ-મેનુમાં સવારે નાસ્તામાં ફાફડા-જલેબી, ખાખરા, ગાઠિયા, થેપલા, ખમણ અને રાતે વિશેષ કાઠિયાવાડી જમવાનું પીરસવામાં આવશે; જેમાં દહી, વઘારેલો રોટલો (દહી અને લસણ સાથે તળેલી બાજરાની રોટલી), ખીચડી-કઢી પીરસવામાં આવશે. ટીમ ઇન્ડિયાના સુકાની રોહિત શર્માને સયાજી હોટેલમાં એક શાહી સ્વીટ બુક કરાવવામાં આવ્યો છે.

sports news sports indian cricket team rajkot cricket news test cricket rohit sharma shubman gill