IPL 2023: મુંબઈને કલકત્તાના રિન્કુ સિંહનો ડર

16 April, 2023 10:47 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

નીતીશ રાણાના સ્પિનરો વાનખેડે મેદાનને ધમરોળશે, સામે પક્ષે રોહિતના ધુરંધરોએ દરેક ડિપાર્ટમેન્ટમાં પ્રદર્શન સુધારવાની જરૂર

રિન્કુ સિંહ

કલકત્તાના બૅટર્સનો સામનો કરવો મુંબઈ માટે પડકારજનક હશે. બન્ને ટીમ વિજયના માર્ગ પર પાછી ફરવા માગે છે. મુંબઈ દિલ્હી સામે છેલ્લી મૅચમાં જીતવામાં સફળ રહી છે, તો કલકત્તાની ટીમ શુક્રવારે ઈડન ગાર્ડન્સમાં હાઈ સ્કોરિંગ સ્પર્ધામાં હૈદરાબાદ સામે હારી ગઈ હતી. ભલે છેલ્લી મૅચ જીતી ગઈ હોવા છતાં આઇપીએલની સૌથી સફળ ટીમ મુંબઈ વાનખેડેમાં દબાણ હેઠળ હશે, કારણ કે આઇપીએલમાં તે હજી સુધી ખાસ પ્રભાવશાળી પ્રદર્શન કરી શકી નથી.
 બીજી તરફ બે જીત અને બે હાર છતાં કલકત્તાનું પ્રદર્શન ઉતાર-ચડાણવાળું રહ્યું છે. રોહિત શર્માએ દિલ્હી સામે ૬૫ રન બનાવીને વિજયમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો, પરંતુ સૂર્યકુમાર યાદવ હાલ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. વળી મુંબઈને ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરનો લાભ નહીં મળે, કારણ કે પહેલી મૅચમાં કોણીની તકલીફને કારણે તે બહાર થઈ ગયો છે. જેસન બેહરેનડોર્ફ અને રિલે મેરડિથ પર તેની ગેરહાજરીમાં સારું પ્રદર્શન કરવાનું દબાણ રહેશે. પીયૂષ ચાવલા પોતાના સારા પ્રદર્શનનું પુનરાવર્તન કરવાનું ચાલુ રાખશે. ટિમ ડેવિડ, કૅમરોન ગ્રીન, તિલક વર્મા અને ઈશાન કિશન જેવા યુવા ખેલાડીઓ પાસે મુંબઈ સારા પ્રદર્શનની આશા રાખે છે, કારણ કે કલકત્તાએ છેક છેલ્લા બૉલ સુધી લડત આપીને ગુજરાતને હાર આપી હતી. મુંબઈને સૌથી વધુ ડર રિન્કુ સિંહનો હશે, કારણ કે સાતમા ક્રમાંક પર બૅટિંગ પર આવીને તેણે અનુક્રમે ૪૮ અને ૫૮ રન પોતાની છેલ્લી બે ઇનિંગ્સમાં બનાવ્યા હતા. આ ઉપરાંત કૅપ્ટન નીતીશ રાણા, વ્યંકટેશ ઐયર, રહેમાનુલ્લા ગુરબાઝ અને શાર્દુલ ઠાકુરે પણ રન બનાવ્યા છે. આમ મુંબઈએ દરેક ડિપાર્ટમેન્ટમાં સારું પ્રદર્શન કરવું પડશે. ડેથ ઓવરમાં રિન્કુ સિંહ બહુ જ શાનદાર પ્રદર્શન કરે છે. આમ તેના પ્રદર્શન પર તમામની નજર રહેશે. કલકત્તા માટે તેમના ઑલરાઉન્ડર આન્દ્રે રસેલનું પ્રદર્શન ચિંતાજનક છે. સુનીલ નારાયણ અને વરુણ ચક્રવર્તી કલકત્તા માટે વિકેટ લેવાનું ચાલુ રાખશે. 

સુરતનો ખેલાડી કલકત્તાની ટીમમાં


સુરત ડિ​સ્ટ્રિકટ ક્રિકેટ અસોસિએશન વતી રમતા ગુજરાતની રણજી ટીમના આશાસ્પદ ઑલ રાઉન્ડર એવા સુરતના વતની આર્ય અપૂર્વભાઈ દેસાઈની આઇપીએલની ફ્રેન્ચાઇઝી કલક્તાની ટીમમાં પસંદગી થઈ છે. શાહરુખ ખાનની ટીમે આર્ય દેસાઈની ૨૦ લાખની ફ્લોર પ્રાઇસમાં ખરીદી કરી હતી. આર્ય આઇપીએલ સુધી પહોંચનાર સુરતનો બીજો ક્રિકેટર છે. અગાઉ રાકેશ પટેલ મુંબઈ ઇન્ડિયન્સ વતી રમી ચૂક્યો છે

sports news cricket news ipl 2023 indian premier league kolkata knight riders mumbai